શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ હેક કરી સાયબર ક્રાઇમ કરતી ગેંગના સભ્યને પકડી પાડવામાં સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમને સફળતા મળી હતી. મધ્યપ્રદેશના આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ૧૦૦થી વધુ યુવતીઓ પાસેથી તેણે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું. આરોપીની ધરપકડ કરીને સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે સઘન પૂછપરછ શરૂ કરી આ ગેંગના તેના અન્ય સૂત્રધારોને પકડવા તજવીજ શરૂ કરી હતી.
૧૯૩૦ હેલ્પલાઇન ઉપર ફરિયાદ મળી હતી કે, કોઈ સાયબર ગઠીયાએ વોટ્સએપ એકાઉન્ટ હેક કરી, ભોગ બનનારના મિત્રોને પૈસાની જરૂર હોવાનું જણાવી ભોગ બનનારના નામે પૈસા પડાવી લઇ છેતરપિંડી આચરી છે. જે અન્વયે સ્ટેટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી બેંક એકાઉન્ટ તથા મોબાઇલ નંબરની વિગતો મેળવી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે ડિટેઇલ એનાલીસિસ કર્યું હતું મોબાઈલ નંબરના સી.ડી.આર. મંગાવી હતી. જેમાં મળી આવેલા IMEIની માહિતીનું એનાલીસીસ કરતા એક શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવ્યો હતો.
જે ઓપન સોર્સ મારફતે ચેક કરાવતા ‘College Fees Fraud’ એવું નામ મળી આવતા આ બાબતે વધુ સઘન તપાસ કરી સસ્પેક્ટ મોબાઇલ નંબરની વિગતો મેળવી વેરીફીકેશન મેળવ્યા બાદ મોબાઇલ નંબરનું લોકેશન મેળવ્યું હતું. લોકેશન મધ્યપ્રદેશના અનુપપુર જીલ્લાના બદરા ગામનું આવતા સાયબર પોલીસની ટીમ તાત્કાલીક અનુપપુર, મધ્યપ્રદેશ ખાતે રવાના થઈ ગઈ હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈને વોચ ગોઠવી આરોપી પ્રભાતકુમાર છોટેલાલ ગુપ્તાની અટકાયત કરી સઘન પૂછપરછ કરી હતી.
તેની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ કબુલાત કરી છે કે, તે ફક્તને ફક્ત શાળા તેમજ કોલેજની છોકરીઓને ટાર્ગેટ કરતો હતો અને અત્યાર સુધીમાં તેને અલગ-અલગ રાજ્યોની આશરે ૧૦૦થી વધુ છોકરીઓને ટાર્ગેટ કરી તેમના વોટ્સએપ હેક કરી છેતરપીંડી કરી છે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે.આરોપી પાસેથી 2 મોબાઇલ ફોન, 2 ચેકબુક, વિવિધ કંપનીના 11 સીમકાર્ડ, 2 પાસબુક તથા 12 ડેબિટ કાર્ડ કબ્જે કરવામાં આવ્યા હતા.