અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં એસઓજી ટીમે નકલી ઑસ્ટ્રેલિયન ડૉલર છાપતી ફેક્ટરી ઝડપી પાડી હતી.પોલીસે ફેક્ટરી પર દરોડો પાડીને નકલી ઑસ્ટ્રેલિયન ડૉલર, પ્રિન્ટિંગ મશીન મળી 11.92 લાખનો મુદ્દામાલ અને ચાર લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓ નકલી ઑસ્ટ્રેલિયન ડૉલર માર્કેટમાં વટાવે તે પહેલાં જ પોલીસે ઝડપી લીધા હતા.
એસઓજી ડીસીપી જયરાજસિંહ વાળાએ માહિતી આપતા જણાવ્યું હતું વેજલપુર ખાતેના જલતરંગ બસ સ્ટેન્ડની પાસે આવેલી લાઇફ સ્ટાઇલ હેર કટીંગની દુકાનમાં રોનક રાઠોડ નામનો યુવક હેરકીંગ કરવા માટે આવ્યો હતો. હેર કટીંગ કરતા સમયે રાકેશ પરમારે તેની પાસે વધુ માત્રામાં ઑસ્ટ્રેલિયન ડૉલર હોવાની દુકાનના માલિકને વાત કરી કહ્યું કે, એક ઑસ્ટ્રેલિયન ડૉલરની કિંમત ભારતીય ચલણ મુજબ 55 રૂપિયા થાય છે, જો તમારે ઑસ્ટ્રેલિયન ડૉલર લેવા હોય તો ભારતીય ચલણ મુજબ 40 રૂપિયા આપવાના રહેશે. તેની પાસે 6000 ઑસ્ટ્રેલિયન ડૉલર હોવાની વાત કરી હતી.
એસઓજી ડીસીપી જયરાજસિંહ વાળાએ જણાવ્યા મુજબ રાકેશે તેના મિત્રને આ વાતની જાણ કરી હતી. જેથી તેણે SOGનો સંપર્ક કરવાનું કહ્યું હતું. રાકેશે તાત્કાલિક SOGને સમગ્ર હકીકત જણાવતા SOGની ટીમે રોનક પાસે રહેલા ઑસ્ટ્રેલિયન ડૉલરનો ભાંડો ફોડવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. SOGની ટીમ તરત હેર સલુનની દુકાન પર પહોંચી ગઇ હતી અને વોચમાં હતી. ત્યારે રોનક ત્યાં આવી ચઢ્યો હતો અને SOGએ ઑસ્ટ્રેલિયન ડૉલર સાથે રોનકને કોર્ડન કરી લીધો હતો. તેની અટકાયત કરીને વડી કચેરીએ લઇ જઈ આગવી સ્ટાઇલથી પુછપરછ કરી હતી. જ્યાં તેણે કબૂલાત કરી હતી કે, તેના મિત્ર ખુશ પટેલ પાસે એક લાખ ઑસ્ટ્રેલિયન ડોલર છે.
ઑસ્ટ્રેલિયન નાગરિકે દેવામાંથી નીકળવા અન્ય મિત્રની મદદથી નકલી ફેક્ટરી ઉભી કરી હતી અને ગૂગલ પરથી ઑસ્ટ્રેલિયન 50 ડૉલરની ઇમેજ ડાઉનલોડ કરી હતી. ઇમેજ ડાઉનલોડ થઇ ગયા બાદ મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છાપવાનું શરૂ કર્યુ હતું. અમદાવાદ એસઓજીએ બનાવટી ઑસ્ટ્રેલિયન ડૉલર કુલ 151 નોટ, બનાવટી ઑસ્ટ્રેલિયન ડૉલર છાપેલી 18 નંગ સીટ, અને ડૉલર છાપવાની મશીનરી સાથે રોનક ઉર્ફે મીત ચેતન રાઠોડ (ઉ.વ.24), ખુશ અશોકભાઈ પટેલ (ઉ.વ.24), મૌલિક શંકરભાઈ પટેલ (ઉ.વ.36) અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ (ઉ.વ.20)ની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી મૌલિક પટેલ ઑસ્ટ્રેલિયાનો સિટીઝન છે.