ગુજરાતમાં અધિકારીઓથી લઈને ટોલનાકા સુધી નકલીની બોલબાલા છે. જેમાં પોલીસ અને સરકારી નકલી અધિકારીઓ અને નકલી ઓફિસો ઝડપાઇ છે. થોડા દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની નકલી ટીમ પકડાઈ હતી. હવે રાજકોટમાંથી નકલી પોલીસકર્મી ઝડપાયો હતો. નકલી પોલીસકર્મી બાઇક સવાર યુવકને ધમકાવીને લૂંટ ચલાવતો હતો.
ઘનશ્યામ કટારીયા નામનો નકલી પોલીસ કર્મી રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવતો હતો. નકલી પોલીસે મૂળ ગોંડલના યુવકને ગાડીના કાગળો અને લાયસન્સ માંગી રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવી હતી. તેણે યુવકને રસ્તામાં રોકી 15 હજાર માંગ્યા હતા પરંતુ રૂપિયા આપવાની ના પાડતાં ફડાકા ઝીંક્યા હતા. જેથી તે ડરી ગયો હતો અને 8 હજાર આપી દીધા હતા.
નકલી પોલીસ કર્મીએ તેની પાછળ પોલીસ સ્ટેશન આવવાનું કહેતા તે ત્યાં ગયો હતો. 150 ફૂટ રંગ રોડ પર બાઇક ઉભું રખાવી નકલી પોલીસ તેના બાક પાછળ બેસાડીને કણકોટ ગામ નજીક લઈ ગયો હતો. જ્યાં તેને ઉભો રાખીને તું અહીં ઉભો રહે, હું હમણા પોલીસની ગાડી લઈને આવું છું તેમ કહી નાસી છૂટ્યો હતો.આ પછી યુવકે કણકોટ ગામે પાનના ગલ્લે પૂછપરછ કરતાં તે પોલીસ હોય તેવું લાગતું નથી તેમ કહ્યું હતું. આટલીવારમાં તે શખ્સ પરત આવ્યો હતો અને ગલ્લે વાતચીત કરતાં જોઈને ભાગી ગયો હતો. જે બાદ તેઓ 200 રૂપિયા ઉધાર માંગી રિક્ષા કરી બાઇક જ્યાં પાર્ક કર્યું હતું ત્યાં આવ્યા હતા. જે અંગે તેણે માત્ર પોલીસ અરજી કરી હતી.
શખ્સ પકડાયા બાદ તેની ઓળખ માટે ફોન આવતાં તેમણે પોલીસ સ્ટેશને જઈ નકલી પોલીસને ઓળખી બતાવ્યો હતો. જે બાદ નકલી પોલીસ કર્મીની ધરપકડ કરી હતી. આરોપી કેટલા સમયથી તોડ કરતો હતો અને કેટલા રૂપિયા ઉઘરાવ્યા તેની પોલીસે તપાસ હાથ ધરી હતી. રાજ્યમાંથી ઝડપાઈ રહેલા નકલી અધિકારીઓને લઈ થોડા દિવસ પહેલા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર પાસે નકલી મંત્રાલય વિભાગ જાહેર કરવા માંગણી કરવામાં આવી હતી.