તોડ બાદ ફરિયાદ દાખલ કર્યાનો પ્રથમ બનાવ : પોલીસે જ ખોટા કેસમાં ફસાવી 61 લાખનો કર્યો તોડ

ગુજરાતમાં રાજકોટમાં નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને 61 લાખનો તોડ કરવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે મોરબી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગેની અરજી ડીજીપીને કરવામાં આવી હતી. જેની બાદ તેની તપાસ સ્ટેટ મોનીટરીંગસેલના એસપી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી. જેમાં આ ઘટસ્ફોટ થયો હતો.જેમાં સમગ્ર ઘટનાની વિગતો મોરબીના ટંકારા ના રિસોર્ટમાં પ્રતિષ્ઠિત ઘરના નબીરાઓને ખોટા કેસમાં ફસાવી રૂપિયા 61 લાખ પડાવી લીધા હતા. તેમજ તેમને માર નહીં મારવાના ,લોકઅપ માં નહીં મૂકવાના અને પ્રેસનોટ જાહેર નહીં કરવાના પોલીસે પૈસા પડાવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

તોડ બાદ ફરિયાદ દાખલ કર્યાનો પ્રથમ બનાવ : જ્યારે આ સમગ્ર કેસમાં તલસ્પર્શી તપાસ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે સીસીટીવી અને સાહેદો ના નિવેદનો લઈને પોલીસની કરતુતનો ભાંડો ફોડ્યો હતો. જેમાં હાલ લાખોની લાંચ લેનાર પી.આઈ ગોહિલ સસ્પેન્ડ બાદ લાપતા છે. તેમજ રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહ ની શોધખોળ કરવામાં આવી રહી છે. તેમજ સમગ્ર રાજ્યના પોલીસ તંત્રના ઇતિહાસમાં 61 લાખનો તોડની તપાસ બાદ ફરિયાદ દાખલ કર્યાનો પ્રથમ બનાવ હોવાનું માનવામાં આવે છે.

બે ફોર્ચ્યુનર કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો : આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 26 ઓક્ટોબરના રોજ મોરબી રાજકોટ હાઈ વે ઉપર કમ્ફર્ટ રીસોર્ટના રૂમ નં.૧૦૫ માં દરોડો પાડી ટંકારા પીઆઇ વાય કે. ગોહિલ અને તેમની ટીમે જુગારના હાઈ પ્રોફાઈલ કેસમાં આરોપી (૧) નિરવભાઈ અશોકભાઇ ફળદુ, (૨) નિતેષભાઈ ઉર્ફે નિતીન ભાઈ નારણભાઈ ઝાલરીયા (૩) ભાસ્કરભાઈ પ્રભુદાસ પારેખ, (૪) વિમલભાઈ રામજીભાઈ પાદરીયા, (૫) રઘુવિરસિંહ દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા, (૬) કુલદિપસિંહ વનરાજસિંહ ગોહિલ (૭) નીલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર (૮) ગોપાલ રણછોડભાઈ સભાડ તથા (૯) ચિરાગ રસીકભાઈ ધામેચા વિરુદ્ધ ટોકન ઉપર જુગાર રમવા મામલે કેસ કરી 12 લાખની રોકડ તેમજ બે ફોર્ચ્યુનર કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા : જેમાં મોટા માથાઓને નામ સંડોવતા આ જુગાર દરોડા પ્રકરણમાં આરોપીઓના નામ ખોટા દર્શાવવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા. તેમજ રાજકીય આગેવાનની રજુઆત બાદ રાજ્યના પોલીસવડા સુધી પહોંચતા સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં પીઆઇ વાય.કે.ગોહિલ તથા કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને એસએમસીની તપાસ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

error: Content is protected !!