વાલોડ તાલુકાનાં મનરેગા યોજના અંતર્ગત પ્લેગ્રાઉન્ડની કામગીરીમાં ૧૦ જોબ કાર્ડ શ્રમિકોની ઓનલાઈન બોગસ હાજરી દર્શાવી હતી. જ્યારે લોકપાલે સ્થળ મુલાકાત લીધી ત્યારે આ પોલ ખુલ્લી પડી ગઈ હતી. તેમણે આ અંગેના રોજકામ સહિત ડીડીઓ અને ગાંધીનગર નિયામકને હકીકતથી વાકેફ કરી પગલા ભરવા જાણ કરી હતી. વાલોડ તાલુકાના કણજોડ ગામે મનરેગા હેઠળ પ્લે ગ્રાઉન્ડની ચાલતી કામગીરી સ્થળે ૧૦ જોબ કાર્ડધારકો હાજર ન હોવા છતાં તેમની ખોટી હાજરી દર્શાવી ગેરરીતિ આચરવાનો ભાંડો લોકપાલે તપાસ કરતા ફૂટી ગયો હતો.
તાપી જિલ્લા મનરેગા લોકપાલ સરસ્વતી ચૌધરીએ મનરેગા યોજના અંતર્ગતની ઓનલાઈન એન્ટ્રીઓ ચકાસી હતી. જેમાં કણજોડ ખાતે પ્લેગ્રાઉન્ડની ૧૭ ડિસેમ્બરે સવારે ૧૦.૨૦ વાગે સ્થળ મુલાકાત લીધી હતી. ગ્રાઉન્ડના સ્થળે ઓનલાઈન હાજરીમાં દર્શાવેલા મજુર કામના સ્થળે હાજર ન હતા, કે જોવા મળ્યા નહતા. જ્યારે ઓનલાઈન એન્ટ્રીઓમાં ૧૭ ડિસેમ્બરે ૧૩ પૈકી ૩ ગેરહાજર અને ૧૦ જોબકાર્ડ ધારકોની હાજરી ઓનલાઇન પુરેલી જોવા મળી હતી. કર્તાહર્તાએ મરણ થયું હોવાથી મજુરો આવ્યા નહતા તેવી વાત કરી હતી જ્યારે લોકપાલે તેમના રોજ કામમાં મરણ બે દિવસ અગાઉ થયાનું જણાવી સવારે શ્રમિકો આવ્યા ન હતા છતા દર્શાવેલી હાજરી ભષ્ટાચારની ચાડી ખાતી હોવાનો સંદેહ વ્યક્તા કરી તેમના રોજ કામમાં પણ મનરેગા કામમાં ચાલતી પોલંપોલ અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી અસરકારક પગલા ભરવા રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વાલોડ તાલુકામાં છ મહિના પણ લોકપાલે અન્ય સ્થળો પર ચકાસણી કરી મનરેગા યોજનામાં બોગસ હાજરી કૌભાંડ ચાલતુ હોવાનું પકડી પાડી ઉચ્ચ સ્તરે રિપોર્ટ રજૂ કર્યો હતો.