વ્યારા નગરનાં સાગર સ્વીટ એન્ડ ફરસાણની દુકાન ચલાવતા વેપારીએ રૂપિયા ૫૦ લાખ બારડોલીના બે શખ્સો પાસેથી વ્યાજે લીધા બાદ જેઓને ચુકવી દીધા હોવા છતાં ફરીથી નાણાંની માંગણી કરી વ્યાજખોરો ધાકધમકી આપી પઠાણી ઉઘરાણી કરી સતામણી કરતા હોવાની ફરીયાદ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા હાઇસ્કુલ પાસે સાગર સ્વીટ એન્ડ ફરસાણની દુકાન ધરાવતા વકતારામ ઉર્ફે વિનોદભાઈ જેતાજીભાઈ ચૌધરી (મુળ રહે.ઘેનડી ગામ, તા.રાણી,જિ.પાલી, રાજસ્થાન)એ વર્ષ ૨૦૧૪નાં વર્ષમાં રૂપિયા ૫૦ લાખ વ્યાજે રાજુભાઈ માંગીલાલ શાહ અને માંગીલાલ હસ્તિમલ શાહ (બંને રહે.સંસ્કૃતિ સોસાયટી, શાસ્ત્રી રોડ,બારડોલી)નાંઓ પાસેથી લીધા હતા. જયારે વ્યાજે લીધેલ નાણાંના આજદીન સુધી કુલ રૂપિયા ૯૨,૨૫,૦૦૦/- ચુકવી દીધા હોવા છતાં હજુપણ આરોપીઓ રૂપિયા ૫૦,૦૦,૦૦૦ની માંગણી કરી રહ્યા છે, હાલમાં પૈસાની વ્યવસ્થા ન હોવાનું જણાવતા જેઓ રૂબરૂ તથા મોબાઈલ ફોન ઉપર ધમકી આપી રૂપિયા ૫૦ લાખ આપી દે તેવી ગુનાહિત ધમકી આપી, લોનની વસુલાત કરવા માટે પઠાણી ઉઘરાણી કરી સતામણી કરતા રહ્યા છે.