એક તરફ, કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવા સતત કથળી રહી છે તેવામાં સીમાવર્તી લખપત તાલુકાના ઘડુલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવનારા મેડિકલ ઑફિસરને પોલીસે નશો કરેલી હાલતમાં ઝડપી લેતાં ભારે ચકચાર પ્રસરી છે.
ગત બુધવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ઘડુલીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ‘આયુષ’ મેડિકલ ઑફિસર કલ્પેશ નટવરલાલ રાઠોડ દારૂના નશામાં ટલ્લી થઈ ગયો હોવા અંગે કોઈ જાગૃત નાગરિકે જાણકારી આપતાં દયાપર પોલીસ સ્થળ પર પહોંચી હતી.અહીં તપાસ કરતાં મેડિકલ ઑફિસર કલ્પેશ રાઠોડ (ઉ.વ. ૨૮, રહે. મૂળ માંડલ, અમદાવાદ) દવાખાના આગળ નશામાં ચકચૂર હાલતમાં જમીન પર સુતેલી હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તેના મોઢામાંથી દારૂની તીવ્ર દુર્ગંધ આવતી હતી, આંખો નશાથી લાલઘૂમ હતી, અને લથડિયાં ખાતો હતો. પોલીસે જાહેરમાં કેફી પીણું પીવા બદલ તેની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી.