નવસારી શહેરના પ્રવેશદ્વાર ગણાતા અને ભારે અવરજવર વાળા ટાટા સ્કૂલ પાસેના રોડ ઉપર રવિવારે બપોરે સીએનજી ઈકો કારમાં સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, કારમાં સવાર પાંચ વ્યક્તિઓ સમય ચૂકતા વાપરીને નીચે ઉતરી જતા તેમનો બચાવ થયો હતો.નવસારી શહેરના અતિ વ્યસ્ત એવા ટાટા સ્કૂલ પાસે રીન્કેશ પટેલ નામનો યુવક સીએનજી કીટ ફીટ કરેલી ઈકો કારમાં ચાર વ્યક્તિઓને બેસાડી પલસાણા તરફ જઈ રહ્યો હતો. તે વખતે કારના વાયરીંગમાં શોર્ટ સર્કિટ થતાં જ આગ લાગી ગઈ હતી. જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જો કે, ડ્રાઈવરે કારને રોડ સાઈડે થંભાવી દીધી હતી અને તે પછી તેમાં સવાર ચારેય મુસાફરો સતર્કતા દાખવી ઉતરી જતા તેમનો બચાવ થયો હતો.આ ઘટનાને લઈ કેટલાક વ્યક્તિઓ નજીકમાં આવેલા પેટ્રોલ પંપ ઉપરથી આગ બુઝાવવા માટે મૂકવામાં આવેલા ફાયર એક્સટિંગ્વિશર લઈને આવ્યા હતા. અને તેનાથી આગને કાબુમાં લીધી હતી.
