ચીખલીના સાદકપોર ગામના ઘોરવાડા ફળિયામાં મધ્યરાત્રે તસ્કરોએ ૩ ત્રણ ઘરના તાળા તોડયા હતા. એક મકાનમાંથી તસ્કરો દાગીના ચોરી ગયા હતા. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે નવસારીનાં સાદકપોરના ઘોરવાડા ફળિયામાં મધ્યરાત્રે એકાદ વાગ્યે તસ્કરોએ એક સાથે ૩ જેટલા બંધ ઘરોના તાળા તોડયા હતા.
બનાવ અંગેની જાણ થતાં પોલીસ અને ગામના સરપંચ સહિતના આગેવાનોને થતાં તેઓ ઘટના સ્થળ ઉપર ધસી ગયા હતા. હાલ ચિખલી રહેતા મીનાબેન મહેન્દ્રભાઈ પટેલના ઘરના પાછળના દરવાજામાં કોઈ સાધનથી હોલ કરી દરવાજો ખોલી ચોરટાઓ ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી સોનાના દાગીના ચોરી ગયા હતા જો કે બાજુના વિદેશ રહેતા રંજનબેન મહેશભાઈ પટેલ તથા ઉષાબૈન નટુભાઈ પટેલના ઘરમાં તસ્કરો ધૂસ્યા હતા. પરંતુ ખાસ કંઈ હાથમાં આવ્યું ન હતું. મીનાબેનનો પરિવાર સવારે સાફ સફાઈ કરવા આવ્યો ત્યારે ચોરીની જાણ થઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા. ચોરટાએ મોઢા પર કપડું બાંધેલું હોવા સાથે કેમેરા ઉપર પણ રૂમાલ નાંખી દેતાં ફૂંટેજમાં તેમના ચહેરા સ્પષ્ટ દેખાતા ન હતા.