સુરત શહેરના જેતપુરના વતની દિવ્યેશ બારીયા હીરાના કારખાનામાં કામ કરે છે. ગત ૨૫મીએ તેમના વતનમાં પિતાના મામાનું અવસાન થતાં માતા-પિતા વતન જવા નીકળ્યા હતા. નાનો ભાઈ પણ હીરાના કારખાનામાં નોકરી કરતો હોઈ તે પણ નાઈટ શિફ્ટમાં નોકરીએ ગયો હતો.
ઘરે દિવ્યેશ અને તેની પત્ની જ હાજર હોઈ રાત્રે સાડા અગિયાર વાગ્યે તેઓ નીચેના રૂમને તાળું મારી પહેલા માળે સૂવા જતા રહ્યા હતા. સવારે સાડા છ વાગ્યે નાનો ભાઇ નોકરીથી છૂટીને ઘરે આવતાં નીચેના રૂમને મારેલાં બે તાળાં તૂટેલાં જોવા મળ્યા હતા. બંને તાળા ત્યાં જ પડ્યા હતા. અંદર પોલીસ સાથે મળીને ચેક કરતાં રસોડાની બાજુમાં આવેલા કબાટમાંથી આ પરિવારના ૭.૩પ લાખની કિંમતના દાગીના ચોરી થઇ ગયા હતા. એક હજારની રોકડ પણ ગુમ હતી. સમગ્ર મામલે સિંગણપોર પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. ગોહિલે આ રત્નકલાકારની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.