અમદાવાદમાં વધુ એક વખત સરકારી કર્મચારી લાંચની રકમ સ્વીકારતા ઝડપાયો છે. અમદાવાદનો સર્વેયર 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. જમીનમાં KJP દુરસ્તી સુધારા માટે લાંચની રકમ માગી હતી.
વાડજ કચેરીના સર્વેયર ગૌતમ યાજ્ઞિકે લાંચની રકમ માગી હતી અને આ અંગેની જાણ ACBને કરવામાં આવતા ACBએ બે ખાનગી વ્યક્તિઓની સાથે સર્વેયરની પણ ધરપકડ કરી લીધી છે.તમને જણાવી દઈએ કે કામના ફરિયાદીના બહેનની જમીનમાં KJP દુરસ્તી સુધારો કરવા માટે આ કામના ફરિયાદીએ આરોપી ગૌતમ ભરતભાઈ યાજ્ઞિકનો સંપર્ક કર્યો હતો, તેઓ સરકાર માન્ય લાયસન્સી સર્વેયર ડી.આઈ.એલ.આર કચેરી, ભીમજીપુરા ખાતે કામગીરી કરે છે. તેઓએ KJP દુરસ્તી સુધારો કરવાના અવેજ પેટે ડી.આઈ.એલ.આર. કચેરી ખાતે વ્યવહાર કરવો પડશે તેમ કહીને રકઝક કરીને અંતે રૂપિયા 5,00,000 વ્યવહાર નક્કી કરી લાંચની માગણી કરી હતી.
આ લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય તેમને એ.સી.બી કચેરીનો સંપર્ક કર્યો હતો અને આજે લાંચનું છટકુ ગોઠવીને ACBએ લાંચ લેતા સર્વેયર ગૌતમ યાજ્ઞિક, નવગણસિંહ ખુમાનસિંહ ડોડીયા જે જમીન દલાલીનું કામ કરે છે અને આરોપી નંબર 3 મનિષ ધીરૂભાઈ પગી જે પણ જમીન દલાલના કામકાજ સાથે સંકળાયેલો છે, ત્રણેયની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓએ હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણા સ્વીકારી એકબીજાના મેળાપણામાં ગુનો કર્યો છે.