અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 242માંથી માત્ર એક જ યાત્રી જીવિત બચ્યો હતો. બાકીના મુસાફરો મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટના બાદ મૃતદેહોની તપાસ કરવામાં આવી રહી છે.મૃતદેહો તેમના પરિવારને સોંપવા માટે DNA મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ મામલે અત્યાર સુધી 251 DNA મેચ કરવામાં આવ્યા છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં DNA ટેસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.અમદાવાદ શહેરના સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્લેન ક્રેશની ઘટનામાં જીવ ગુમાવનાર મુસાફરોના મૃતદેહ DNA ટેસ્ટ અને ઓળખ માટે કાર્યવાહી સતત ચાલી રહી છે. પ્લેન દુર્ઘટનામાં અત્યાર સુધી 251 DNA મેચ થયા છે.
જ્યારે અત્યાર સુધીમાં 245 મૃતદેહ પરિવારને સોંપાયા છે. 176 ભારતીય અને 49 UKના મૃતદેહ સોંપાયા છે. 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન, 12 સ્થાનિકોના મૃતદેહ સોંપાયા છે. 26 મૃતદેહ બાય એર વતન સુધી પહોંચાડવામાં આવ્યા છે. 219 મૃતદેહ બાય રોડ એમ્બ્યુલન્સ દ્વારા પહોંચાડવામાં આવ્યા છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સામાન્ય યાત્રીઓ સાથે રાજ્યના ભૂતપૂર્વ સીએમ વિજય રુપાણી પણ સવાર હતા. તેઓ પોતાના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યાના ગણતરીના ક્ષણોમાં જ ફ્લાઇટ ક્રેશ થઇ હતી. એર ઇન્ડિયા પ્લેન મેઘાણી નગરમાં આવેલા બોયઝ મેડિકલ હોસ્ટેલના મેસ પર ક્રેશ થયુ હતુ. જેમાં 20 જેટલા વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા.