હાઈકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન એક વ્યક્તિ ટોયલેટ સીટ પર બેઠેલો જ ન્યાયાધીશ સમક્ષ હાજર થયો

ગુજરાત હાઈકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન એક અસામાન્ય અને શરમજનક ઘટના બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. સુનાવણી ચાલી રહી હતી ત્યારે એક વ્યક્તિ ટોયલેટ સીટ પર બેઠેલો જ ન્યાયાધીશ સમક્ષ હાજર થયો હતો અને કથિત રીતે શૌચક્રિયા કરતો જોવા મળ્યો હતો.

બાર એન્ડ બેન્ચના અહેવાલ અનુસાર, આ ઘટના 20 જૂનના રોજ જસ્ટિસ નિરજર એમ દેસાઈની ખંડપીઠ સમક્ષ બની હતી. વીડિયોમાં શરૂઆતમાં ‘સમદ બેટરી’ નામનો એક વ્યક્તિ બ્લૂટૂથ ઇયરફોન પહેરીને લોગ ઇન થયેલો દેખાયો હતો, થોડીવાર પછી, તે પોતાનો ફોન થોડા અંતરે મૂકે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તે ટોયલેટ સીટ પર બેઠો હતો. ત્યારબાદ વોશરૂમમાંથી બહાર આવતો પણ દેખાય છે. ત્યારબાદ તે થોડા સમય માટે સ્ક્રીન પરથી અદૃશ્ય થઈ જાય છે અને ફરીથી એક રૂમમાં દેખાયો હતો.

કોર્ટના રેકોર્ડ મુજબ, આ વ્યક્તિ એફઆઈઆર રદ કરવા માટે દાખલ કરાયેલી અરજીમાં પ્રતિવાદી તરીકે હાજર થયો હતો. તે ફોજદારી કેસમાં ફરિયાદી હતો. નોંધનીય છે કે, બંને પક્ષો વચ્ચે સમાધાન થયા બાદ કોર્ટે એફઆઈઆર રદ કરી હતી. આ ઘટનાએ ન્યાયિક પ્રક્રિયાની ગરિમા અને ઓનલાઈન સુનાવણીના પ્રોટોકોલ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા હતા. જો કે આ અંગે તંત્ર સાથે સીધો સંપર્ક સાધી શકાયો નથી. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન કોર્ટની કાર્યવાહી દરમિયાન અયોગ્ય વર્તનનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ, એપ્રિલ મહિનામાં પણ ગુજરાત હાઈકોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયેલા એક અરજદાર પર ₹50,000 નો દંડ ફટકાર્યો હતો, કારણ કે તે સુનાવણી દરમિયાન સિગારેટ પીતો જોવા મળ્યો હતો. તેવી જ રીતે, માર્ચમાં દિલ્હીની એક કોર્ટે પણ આવા જ એક કિસ્સામાં સિગારેટ પીતા જોવા મળેલા અરજદારને સમન્સ પાઠવ્યા હતા.

error: Content is protected !!