ધરમપુર પોલીસે બારોલીયા ગામેથી પસાર થઈ રહેલી બોગસ નંબર પ્લેટવાળી કારમાંથી રૂ. ૨.૫૫ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. મળતી માહિતી પ્રમાણે ધરમપુર પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે શુક્રવારે મોડી સાંજે બારોલીયાના આશ્રમ ફળિયા પાસે વોચ રાખીને એક કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ ચાલકે તેના કબજાની કારને રસ્તા પાસે પાર્ક કરી દીધી હતી. જે બાદ તે અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે કારમાં તપાસ કરતા દારૂની ૧૨૬૦ બોટલો (કિંમત રૂ.૨,૫૫,૦૯૬) મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂ.૭,૫૫,૦૯૫નો મુદ્દામાલ કબજે લીધો હતો. વધુમાં પોલીસને કાર પર ફિટ કરવામાં આવેલી નંબર પ્લેટ પણ બોગસ હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો ભરેલી કાર પાર્ક કરી ફરાર થઇ જનાર અજાણ્યા ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે.