સુરતના ડિંડોલીમાં રહેતા આધેડનું ઘરના પહેલા માળના દાદર પરથી પગ સ્લીપ થઈ જતા મોત નીપજ્યું હતું. દાદર પર વરસાદનું પાણી હોવાના કારણે પગ સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રમાં માલેગાંવના વતની અને હાલમાં ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં રહેતા ૫૦ વર્ષીય દયારામ રાકેશભાઈ ગાયકવાડ ફેબ્રિકેશનનું કામ કરી પત્ની અને બે પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
દયારામ શુક્રવારે બપોરે ઘરના દાદર પર ચડી ત્રીજા માળે જઈ રહ્યા હતા તે દરમિયાન પહેલા માળે વરસાદી પાણી હોવાના કારણે તેમનો પગ સ્લીપ થઈ ગયો હતો. જેથી તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દયારામનું મોત નીપજ્યું હતું. હાલ તો મૃતક દયારામનું મોત દાદર ઉપર વરસાદી પાણી હોવાના કારણે પગ સ્લીપ થઈ જતા થયું હોવાની શક્યતા છે. ઘરના મોભીના મોતથી પરિવાર શોકમગ્ન બન્યો હતો. આ અંગે વધુ તપાસ ડિંડોલી પોલીસ કરી રહી છે.