ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ખાનગી બાળકોની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના લીધે સમગ્ર કેમ્પસમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. આગ હોસ્પિટલના ભોંયરામાં લાગી હતી પરંતુ ધુમાડાને કારણે ઉપરના માળને પણ અસરલ પહોંચી હતી. દર્દીઓને બચાવવા માટે લોકોએ સીડી અને ધોતીના દોરડાનો ઉપયોગ કરીને બાળકોને નીચે ઉતાર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે આગ લાગી ત્યારે લગભગ બે ડઝન બાળકોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમના ઘણા પરિવારજનો પણ હોસ્પિટલમાં હાજર હતા.
હોસ્પિટલના નીચેના માળેથી લોકો સરળતાથી બહાર નીકળી ગયા પરંતુ બીજા માળે હાજર દર્દીઓ અને નર્સો તેંમજ ડોક્ટરોને સીડી અને ધોતી બાંધીને નીચે ઉતારવામાં આવ્યા હતા. ગંભીર સ્થિતિમાં બાળકોને બીજી હોસ્પિટલમાં મોકલવામાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક હોસ્પિટલની બહાર હાજર હતા.
ઘટનાની માહિતી મળ્યા પછી ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં હોસ્પિટલોમાં ફાયરના સાધનોની નિષ્ફળતા પણ સામે આવી હતી. સદનસીબે આગ ખાલી ભોંયરામાં જ લાગી હતી, જો તે ફેલાઈ હોત તો મોટી દુર્ઘટના બની હોત.
ફાયર ઓફિસર મહેશ પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે આજે સાંજે 4 વાગ્યે હરદોઈની કીર્તિ કૃષ્ણ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાની માહિતી હતી. તાત્કાલિક અમે ફાયર સ્ટેશન સદરથી ફાયર ટેન્ડર ઘટના સ્થળે મોકલ્યું અને ઇન્ચાર્જ ફાયર સ્ટેશન પહોંચ્યા. તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બાળકો સુરક્ષિત છે, બધાને બહાર કાઢવામાં આવ્યા છે.
હોસ્પિટલ વહીવટીતંત્રે શું કહ્યું? અપર્ણા ગુપ્તાએ જણાવ્યું હતુ કે જ્યારે આગ લાગી ત્યારે તે નીચે ઓફિસમાં હતી અને ત્યાં કામ કરી રહી હતી. તેમણે જણાવ્યું હતું કે લગભગ અડધો કલાક પહેલા, અચાનક મેં ચારે બાજુ ધુમાડો જોયો. તરત જ સ્ટાફ અને ત્યાં હાજર લોકો બહાર નીકળી ગયા. આગ ભોંયરામાં અંદર લાગી હતી, પરંતુ હજુ સુધી તેનું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી.તેમણે જણાવ્યું કે દુર્ઘટના સમયે લગભગ 17-18 બાળકોને હોસ્પિટલમાં એડમિટ હતા, જેમાંથી કેટલાક ઓક્સિજન પર હતા. બધા બાળકોને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર બાળકોને ડૉ. આર.કે. ગુપ્તાની દેખરેખ હેઠળ નિર્મલ નર્સિંગ હોમમાં ખસેડવામાં આવ્યા હતા. ‘કોઈ જાનહાનિ થઈ નથી. બધા બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. અમારા સ્ટાફે અમને સંપૂર્ણ મદદ કરી અને અમે શક્ય તેટલો પ્રયાસ કર્યો છે.’