સોનગઢના નવા આર.ટી.ઓ. પાસે સુરત ધુલિયા નેશન હાઈવે ઉપરથી એક ટ્રકમાં ૦૯ ભેંસો અને ૦૨ પાડીયાને ટુંકા દોરડા વડે ઠાંસીઠાંસીને ક્રુર રીતે બાંધી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માર્કેટમાં વેચાણ ખાતે લઈ જતો ચાલકને ઝડપી પાડી કુલ રૂપિયા ૭,૭૯,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢ નગરના નવા આર.ટી.ઓ. પાસે સુરત ધુલિયા નેશન હાઈવે નંબર-૫૩ના નવાપુર તરફ જતા ટ્રેક ઉપરના જાહેર રોડ ઉપર રવિવારે મોડી સાંજે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના મોરવાડ ગામનાં રહેતો જયરાજભાઈ કનુભાઈ બસીયા (ઉ.વ.૩૨) નાએ પોતાના કબ્જાની ટાટા કંપનીનો ટ્રક નંબર જીજે/૧૪/એક્સ/૯૭૯૪માં ભેંસ નંગ ૦૯ જે આશરે ૦૭થી ૦૯ વર્ષની કાળા કલરની તેમજ જે એક ભેંસની આશરે કિંમત રૂપીયા ૩૦,૦૦૦/- છે જે ૦૯ ભેંસની કિંમત ૨,૭૦,૦૦૦/- તથા પાડીયા નંગ ૦૨ જે એકની કિંમત રૂપિયા ૨,૦૦૦/- લેખે બે પાડીયાની કિંમત રૂપિયા ૪,૦૦૦/- મળી કુલ્લે રૂપીયા ૨,૭૪,૦૦૦/- હતી. જોકે તમામ ભેંસ અને પડિયાને બિન જરૂરી દુ:ખ દર્દ ભોગવવું પડે તેવી રીતે અને ટુંકા દોરડા વડે ઠાંસીઠાંસીને ક્રુર રીતે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમજ ઘાસચારા, પાણીની વ્યવસ્થા કે, તળીયે માટી નહી રાખી, તેમજ ભેંસોને હલનચલન માટે વાજબી મોકળાશ પણ નહી રાખી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વહન કરી લઈ જતો ચાલક ઝડપાઈ ગયો હતો. જોકે પોલીસે વધુ પૂછપરછ કરતા જયેશભાઈ મેપાભાઈ ધ્રાંગ્યા (રહે.રામપરા ગામ, તા.કોટડાસાંગાણી, જી.રાજકોટ)નાએ ભેંસો ટ્રકમાં ભરી અમલનેર માર્કેટમાં વેચાણ માટે પોતાના તબેલામાંથી ભરી આપ્યા હતા અને ભેંસો ગેરકાયદેસરની હેરાફેરી માટે ટ્રક ભાડેથી આપનાર મનોજભાઈ મેપાભાઈ ધ્રાંગ્યા (રહે.રામપરા ગામ, તા.કોટડાસાંગાણી, જી.રાજકોટ)નાઓને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે ટ્રક જેની કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/- લાખ, ભેંસો અને પાડિયાની કિંમત રૂપિયા ૨,૭૪,૦૦૦/- તથા એક મોબાઈલ નંગ મળી કુલ રૂપિયા ૭,૭૯,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી જયારે તબેલામાંથી ભેંસો ભરી આપનાર અને ટ્રક ભાડે આપનાર બે ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.