Latest news tapi : પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણે તાપી જિલ્લાની મુલાકાતે, માર્ગ અને મકાન વિભાગ, ૨૨ જેટલા નાના મોટા પુલોની દરખાસ્ત પૈકી ૨૦ કામોની વહીવટી મંજૂરી મળી ગઈ

તાપી જિલ્લાના પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણેએ વ્યારા સરકિટ હાઉસ ખાતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે જિલ્લાના મુખ્યમાર્ગો, પુલો (બ્રિજ) ની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજીને વિગતવાર ચિતાર મેળવ્યો હતો.પ્રભારી સચિવશ્રી તોરવણેએ, આ તકે સંબંધિત વિભાગના અધિકારીઓને નબળા પુલો પરથી અવર જવર સંદર્ભે જાહેરનામાનો યોગ્ય પાલન થાય તેમજ આકસ્મિક ઘટનાઓ ન બને તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો પ્રમાણે ત્વરિત ધોરણે નુકસાન પામેલા રસ્તાઓનું દુરસ્તિકરણ કરવાનું જણાવ્યું હતું.ઉપરાંત, માર્ગો-પુલોની નિયમિત ચકાસણી થાય અને વાહન ચાલકોને કોઈ પણ પ્રકારે અવરોધ ન ઉભો થાય તેની કાળજી લેવા પણ કેટલાક રચનાત્મક સૂચનો કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.રોડ-રસ્તા સિવાય પણ શ્રી તોરવણેએ જિલ્લાની શાળાઓ,આંગણવાડીના ઓરડાઓની સ્થિતિનું નિરીક્ષણ કરવા તેમજ જરૂર જણાતા ત્વરિત ધોરણે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ટ્રાઈબલ છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓની પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા તેમજ યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.

વધુમાં શ્રી તોરવણેએ ઉમેર્યું કે, સ્ટેટ અને પંચાયત વિભાગને પુરતી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વરસાદમાં આકસ્મિક ઘટના ન બને તે માટે તંત્ર તૈયાર છે, પરંતુ જાનહાનીના કિસ્સામાં હકારાત્મક અભિગમ અપનાવી સહાય ચુકવણી ત્વરિત થાય તે માટે વહીવટીતંત્રને અનુરોધ કર્યો હતો. આ તકે, શ્રી તોરવણેએ આ વિસ્તારમાં જોવા મળતા સિકલસેલને કેન્દ્રમાં લઈને બ્લડ બેંક શરુ કરવા પર પણ વિશેષ ભાર મુક્યો હતો.પ્રાયોજના વહીવટદારશ્રી જયંતસિંહ રાઠોડે પણ શ્રી તોરવણે સમક્ષ જિલ્લામાં થઇ રહેલી કામગીરીનો ચિતાર આપતા જણાવ્યું કે, ધરતી આબા જન ભાગીદારી અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ૧૨ હજાર જેટલા લાભાર્થીઓને ઘરઆંગણે લાભ અપાયો છે. માર્ગ અને મકાન વિભાગ, ૨૨ જેટલા નાના મોટા પુલોની દરખાસ્ત પૈકી ૨૦ કામોની વહીવટી મંજૂરી મળી ગઈ છે. નોંધનીય છે કે, શ્રી તોરવણેએ જિલ્લામાં સ્પોર્ટ ક્ષેત્રના વિકાસ માટે પણ કેટલાક રચનાત્મક સૂચનો આપી સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલીયા, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ, પ્રાંત અધિકારી સહિત સ્ટેટ અને પંચાયતના કાર્યપાલક ઈજનેરો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!