વ્યારાના ભાટપુરની યુવતીએ ૩ હજારના રોકાણ સામે એક જ દિવસમાં ૧૫ હજાર રૂપિયા જેટલી રકમ મેળવવાની ટેલીગ્રામ ચેનલ ઉપરની જાહેરાત મુજબ નાણાં રોકાણ કરતા એક પછી એક અલગ-અલગ ચાર્જીસના નામે રૂપિયા ૪૨૭૦૬.૨૮ ગુમાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, આ ઓનલાઈન ફ્રોડ અંગે સાઇબર ક્રાંઈમ હેલ્પલાઈન તેમજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વ્યારામાં વધુ એક ફરિયાદ ઓનલાઈન ફ્રોડ નોંધાઈ છે. વ્યારા તાલુકાના ભાટપુર ગામના રહીશ રેણુકાબેન ગામીત સરકારી નોકરી માટેની તૈયારી કરે છે, તેણીએ ગત તા.0૭-0૭-૨૦૨૫ ના રોજ ટેલીગ્રામ એપ્લીકેશન ઉપર (ઈન્વેસ્ટન્ટ) રૂપિયા ૩ હજારના રોકાણ ઉપર એક દિવસ બાદ રૂ.૧પ૦૦૦ બોનસ મળશેની જાહેરાત જોતા જેના આધારે સંપર્ક કરી વિગત મેળવી ૩ હજાર ઇન્વેસ્ટ કર્યા હતા. ત્યારબાદ અજાણ્યાઓએ ૩૦૦૦ની સીટ ફુલ થઇ ગઈ હવે ૮ હજાર રોકાણ કરો એમ જણાવ્યું હતું. તો રેણુકાબેને વધુ ૫ હજાર રૂપિયા મોકલ્યા હતા, ત્યારબાદ બીટકોઈન ક્રિપ્ટો કરન્સી માર્કનું પેમ્પ્લેટ મોકલવામાં આવ્યું. સામેથી જણાવ્યું કે રૂપિયા ૬૬૪૬૬ વિડ્રો કરવા માટે રૂપિયા ૧૪૮૩૬ જીએસટી ભરશો તો જ વિડ્રો થશે તેવો મેસેજ કરતા જે રકમની ચુકવણી કરી હતી, ત્યારબાદ ફરીથી રૂપિયા ૨૦૮૬૯ ટેક્ષ ચુકવણી કરશો તો રૂપિયા ૧,૦૭,૮૨૭ મળશે તેવી વાત કરતા જે નાણાંની સગવડ ન હોવા છતાં સગવડ કરીને રૂપિયા ૨૦૮૬૯ અજાણ્યાએ મોકલેક કયુઆર કોડ ઉપર મોકલ્યા હતા. પરંતુ ત્યારબાદ પણ અલગ-અલગ ચાર્જીસના નાણાંની માંગણી થતી રહેતા અંતે સાયબર ફ્રોડ થયાનું જણાતા યુવતીએ નાણાં મોકલવાનું બંધ કર્યું હતું.અલગ-અલગ રકમની ચાર્જીસ વસુલવા માટે નાણાંની માંગણી કરી ગોવિંદ સીંગ નામના યુ.પી.આઈ. આઈ.ડી. ઉપર યુવતીએ રૂપિયા ૪૨૭૦૬ જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. ભેજાબાજ ગઠિયાઓએ નાણાં ઈન્વેસ્ટ કરાવી પ્રોફીટ આપવાની લાલચ આપી વિશ્વાસઘાત-છેતરપીંડી કરી હતી, સાયબર ફોડ કરનાર અજાણ્યા સામે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ઉપર યુવતીએ ફરિયાદ કરી હતી.