જયપુરની બે વેપારી પેઢીઓને કાપડનો માલ મોકલનાર સુરતના વેપારીને ૭૨.૯૪ લાખ નહિ ચૂકવવામાં આવ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. કામરેજના પટેલનગરમાં રહેતા ધવલ વાઘાણી ડિઝારા ફર્મના નામે ઓનલાઈન કાપડનો વેપાર કરે છે. તેમના પરિચિત ધ્રુવ ગોપાલકા ગોડાદરા રાજ ટેક્સ્ટાઈલ માર્કેટમાં નેન્સી ક્રિએશનના નામે કાપડની પેઢી ધરાવતા હોઈ ત્યાંથી પણ પોતાનો ધંધો કરતા હતા. આઠમી ઓગસ્ટ-૨૪માં તેમને જયપુર સાંગાનેરના ઉમેશ જેઠાનંદ મેસવાણીએ સંપર્ક કર્યો હતો. તે તથા તેની માતા સુશીલાદેવી ડી.આર. ફેશનના નામે વેપાર કરતા હોવાનું જણાવી ૫૮.૯૯ લાખ રૂપિયાનું કાપડ મંગાવ્યું હતું. ઉમેશે જ જયપુર ટ્રાન્સપોર્ટ નગરમાં શિવકૃપા ફેશનના ભરત બૈદએ ૧૩.૯૫ લાખનો માલ અપાવ્યો હતો. જોકે બંને પૈકી એક પણ પેઢી દ્વારા નાણાં ચૂકવવામાં આવ્યા ન હતા. ફ્રોડ ત્રિપુટી વિરુદ્ધ ગોડાદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
