શ્રાવણમાં પરંપરાની આડમાં જુગાર રમતી ૧૧ મહિલાઓને પોલીસે ઝડપી લીધી હતી. પોલીસે દાવ અને ઝડતીના મળી રોકડા ૧૫,૩૦૦ રૂપિયા કબજે લીધા હતા. મળતી માહિતી પ્રમાણે શહેરના સરથાણા, યોગીવિલા સોસાયટીના એક મકાનમાં જુગાર રમવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે સરથાણા પોલીસે શનિવારે બપોરે પોણા ચાર વાગ્યે રેઇડ કરી હતી. શ્રાવણમાં જુગારની પરંપરાને નામે મહિલાઓ મોટી સંખ્યામાં જુગાર રમવા બેઠી હોવાની વિગતો પોલીસને મળતાં કાર્યાવાહી કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન પોલીસને અહીંથી ૧૧ મહિલાઓ જુગાર રમતી મળી આવી હતી. મહિલાઓની ધરપકડ કરવાની સાથે અહીંથી ૧૫,૩૦૦ રૂપિયા કબજે લેવાયા હતા.પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે યોગીવિલામાં રહેતી શ્રદ્ધાબેન ચિરાગ ગોધાણીએ મકાન ભાડે રાખ્યું હતું. પોલીસે આ મહિલાની ધરપકડ કરવાની સાથે અહીં જુગાર રમવા આવેલી અલ્પાબેન સંજય પરષોત્તમ મારડિયા, ઈલાબેન રમેશ પરષોત્તમ મારડિયા (બંને રહે. સ્વસ્તિક ટાવર, સરથાણા જકાતનાકા), અંજુબેન સંજય કાલરીયા (રહે. ધર્મનંદન સોસાયટી), પારૂલબેન નરેશ માલવિયા (રહે. રાધાક્રિષ્ણા સોસાયટી), નિરાલીબેન પીયૂષ વસોયા, વિશ્વાબેન કેવલ સોનાણી (બંને રહે. બંસી એપાર્ટમેન્ટ), હંસાબેન રાજુ સુદાણી (રહે. રેવતી એપાર્ટમેન્ટ), નીતાબેન અતુલ બાવીસી, વૈશાલીબેન મનીષ વઘાસીયા અને કિંજલબેન રવિભાઈ જીયાણી (ત્રણેય રહે. હેપ્પીહોમ, સરથાણા)ની ધરપકડ કરાઈ હતી.
