સુરત શહેરના મગદલ્લા ગામ ભવાની મહોલ્લામાં એક મહિલા કોઈપણ પ્રકારની તબીબની ડિગ્રી વિના એલોપેથી દવા આપીને બીમાર દર્દીઓની સારવાર કરીને જિંદગી જોખમમાં મૂકી રહી હતી. ઉમરા પોલીસે બોગસ મહિલા તબીબ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ક્લિનિકમાંથી દવા અને રોકડ કબજે કરી છે. ઉમરા પોલીસના જણાવ્યા મુજબ મગદલ્લા ગામે ભવાની મહોલ્લામાં સાંઈ સ્વસ્તિક કેન્દ્રના નામે લલીતાબેન ક્રિપાશંકર સીંગ (રહે. વૈષ્ણોદેવી સ્કાય, કેનાલ રોડ, જહાંગીરપુરા, મૂળ રહે. જંઘઈ, જિ. જોનપુર, ઉત્તરપ્રદેશ) કોઈપણ પ્રકારની તબીબની ડિગ્રી ધરાવતી ન હતી.
આમ છતાંય બીમાર દર્દીઓને એલોપેથી દવા આપી સારવાર કરતી હોવાની માહિતીને પગલે ઉમરા પોલીસે પીપલોદ હેલ્થ સેન્ટર, જિલ્લા પંચાયતના મેડિકલ ઓફિસર તેમજ આયુર્વેદ તબીબી અધિકારી સાથે રાખીને ક્લિનિકમાં છાપો માર્યો હતો. પોલીસને અહીંથી એલોપેથી દવાઓ, ઇન્જેક્શન આપવાનું ટેબલ, દર્દીના બેડ અને ડ્રોઅર માંથી રોકડા રૂ.૧૬,૩૬૦ મળીને રૂ. ૪૧,૨૧૪નો મુદ્દામાલ મળી આવ્યો હતો. મહિલા તબીબ લલીતાબેન પાસેથી ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધણી કરાવેલ નોંધણીપત્ર કે એલોપેથી દવા આપવાની ડિગ્રી મળી આવી નહતી. આ અંગે ઉમરા પોલીસ મથકના પીએસઆઈ બી.ડી.વાઘે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.