પાર્ટ ટાઈમ જોબના નામે ઓનલાઈન ટાસ્ક આપી બેંક એકાઉન્ટમાં ૧૧.૬૦ લાખ પડાવી છેતરપિંડી કરાતા મામલો પોલીસ દફતરે પહોંચ્યો હતો. મળતી વિગતો પ્રમાણે શહેરના રાંદેરમાં હનુમાન ટેકરી ખાતે નારાયણનગર સોસાયટીમાં રહેતા હેમંત નટવર સેલર (૩૩) ફાઈનાન્સ કંપનીમાં જોબ કરે છે. ગત તા.૧-૪-૨૫ના રોજ એક અજાણી ટેલિગ્રામ આઇજી પરથી મેસેજ આવ્યો હતો. રહેજા કોર્પોરેશનના નામથી આરૂષી શર્મા તરીકે ઓળખ આપી પાર્ટ ટાઇમ જોબની ઓફર કરી હતી. હેમંતે ઈનકાર કર્યો છતાં મેસેજ કરી પ્રોપર્ટી ડેવલપમેન્ટમાં રોકાણની લોભામણી લાલચ આપી હતી. લિંક મોકલી વેબસાઈટમાં રજિસ્ટ્રેશન કરાવાયું હતું.
ત્યારબાદ અલગ-અલગ ઇવેન્ટ તથા મિસ્ટ્રી બોક્સ પૂરા કરવાથી સારો નફો મળશે તેવી સ્કીમ આપી હતી. સૌપ્રથમ નફા પેટે ૩૧,૩૫૧ બેંક એકાઉન્ટમાં જમા કરાવી વિશ્વાસ કેળવ્યો હતો. ભેજાબાજોએ બોગસ લેટર મોકલવા સાથે વધુ રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. સ્કોર ૯૩ થયો છે અને ૧૦૦ સ્કોર માટે ૭પોઈન્ટ બાકી છે એમ કહીને પણ વધુ નાણાં માગ્યા હતા. વોલેટમાં ૨૪.૪૫ લાખ જમા થયા હોવાનો પણ ઝાંસો આપ્યો હતો. ત્યારબાદ અલગ-અલગ ૧૯ બેંક ખાતામાં કુલ રૂપિયા ૧૧.૯૧ લાખ ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. જે પૈકી ૩૨,૩૫૧ પરત અપાયા હતા પણ બાકીના ૧૧.૬૦ લાખ પરત આપવાના નામે આનાકાની કરી હતી. આખરે સાઈ બર સેલમાં આ મામલે ફરિયાદ નોંધાઇ હતી.