સુરત-ડિંડોલી માર્ક પોઈન્ટમાં આવેલી એચ.પી. ઈલેક્ટ્રોનિક્સના માલિકે રિપેરિંગનાં નાણાં પરત માંગવા આવેલા ગ્રાહકને માર મારી ટીવીને દુકાન બહાર પછાડી તોડી નાંખી હંગામો કરતાં પોલીસ ગુનો નોંધી ધરપકડ કરી હતી.મળતી માહિતી પ્રમાણે શહેરના ડિંડોલી, શ્રીદર્શન રેસિડેન્સીમાં રહેતા વિશ્વનાથ પાટીલ બાંધકામ સાઇટ પર સુપરવિઝનનું કામ કરે છે. તેમણે ૯૦૦૦ રૂપિયામાં વર્ષો પહેલાં ખરીદેલું ટી.વી. બગડતાં ગત ૨૮મી જૂને રિપેરિંગ માટે ડિંડોલી માર્ક પોઈન્ટમાં આવેલી એચ.પી. ઈલેક્ટ્રોનિક્સમાં આપ્યું હતું. દુકાનદાર બલિન્દ્ર હરિશંકર પ્રસાદે બેક લાઇટ બગડી ગયાનું જણાવી ૮૦૦૦ રૂપિયાનો ખર્ચો કહ્યો હતો.
વિશ્વનાથે આ નાણાં ખર્ચી રિપેર તો કરાવ્યું હતું. પરંતુ ઘરે લઈ ગયા બાદ ફરી તેમાં લાઈનિંગનો ઈશ્યૂ આવતાં પરત આ દુકાનમાં લઇ આવ્યો હતો. શનિવારે સાંજે સાત વાગ્યે આ યુવક ટીવી રિપેર થયાનું સમજી લેવા આવ્યો હતો ત્યારે તેની ડિસ્પ્લે ઉડી ગઈ હોઈ રિપેર નહિ થાય તેવું દુકાનદારે જણાવ્યું હતું. એક મહિના પહેલાં જ રિપેરિંગના નામે ૮૦૦૦ રૂપિયા વસૂલી ચૂકેલા દુકાનદારનો જવાબ વિશ્વનાથ અને તેની સાથે આવેલા મિત્રને અકળાવી ગયો હતો. રિપેરિંગને નામે પહેલાં લીધેલા ૮,૦૦૦ રૂપિયા પરત માંગતાં મામલો વધુ બગડયો હતો. દુકાનદારે તેના બે સાગરીતો રણજીતકુમાર હરિશંકર પ્રસાદ અને સંતોષકુમાર કમલ શાહ સાથે મળી વિશ્વનાથ પાટિલ સાથે મારામારી કરી ટીવી બહાર લઇ જઈ નીચે પછાડી તોડી નાંખ્યું હતું.આ મામલે ત્રણ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી દુકાનદારની ધરપકડ કરાઇ હતી.