વલસાડ સીટી પોલીસે છીપવાડ ગરનાળાથી લીલાપોર તરફ જતા સ્ટેટ હાઇવે પરથી પસાર થઈ રહેલા પારડીના કારચાલકને દારૂના રૂ ૧.૧૨ લાખથી વધુના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. સીટી પોલીસની ટીમે શહેરના છીપવાડ ગરનાળાથી લીલાપોર તરફ જતા સ્ટેટ હાઇવે પર વોચ રાખી હતી. આ દરમિયાન પોલીસને કારનો ચાલક દારૂનો જથ્થો લઈ નવસારી તરફ જવા માટે નીકળ્યો હોવાની બાતમી મળી હતી. બાતમી મળતા પોલીસે ટ્રાફિકજામ કરી કારને અટકાવી દીધી હતી. પોલીસે કારની તપાસ કરતા કારમાંથી દારૂની ૫૮૮ બોટલો (કિંમત રૂ ૧, ૧૨,૪૪૬) મળી આવી હતી. આ ઘટનામાં પોલીસે દારૂનો જથ્થો, એક મોબાઈલ ફોન અને કાર મળી કુલે રૂ. ૪,૧૨,૯૪૬નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ કારના ચાલક સરફરાજ રફીક શેખ (રહે. સાઈ વિહાર, મસ્જિદની બાજુમાં દમણી ઝાંપા, તા.પારડી)ની ધરપકડ કરી હતી.
