કિશોરોમાં અને યુવાવર્ગમાં લક્ઝરી આઈટમ્સનો ક્રેઝ હવે સામાન્ય બની ગયો છે. સોશિયલ મીડિયા પર બીજાની લેવિશ લાઈફસ્ટાઈલ જોઈ દરેકને એવું જીવન જીવવાની ઘેલછા લાગી છે. માત્ર યુવાનો જ નહીં અમુક કેસમાં પુખ્તવયના પણ પોતાની પહોંચ કરતા વધારે ખર્ચાળ જીવન જીવે છે અને પછી પસ્તાય છે. આવો જ કિસ્સો બિહારમાં બન્યો છે. અહીં એક 16 વર્ષીય દીકરાએ આઈ ફોનની જીદ પકડી હતી. મજૂરી કરી પરિવારનું પેટ ભરતા બાપ અને પરિવારે આઈ ફોન લઈ આપવાનો ઈનકાર કરતા કિશોરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હોવાનું અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે.
આ ઘટનાની મળતી વિગતો અનુસાર બિહારના ખગડિયા જિલ્લાના સૈંદપુર ગામમાં એક ગરીબ પરિવાર રહે છે. અહીં રહેતા પંકજ કુમાર સિંહનો મોટો દીકરો નિખિલ ઘણા સમયથી આઈ ફોન લેવાની જીદ પકડીને બેઠો હતો. લાખ લાખ રૂપિયાના આવતા આ ફોન ગરીબ પરિવારને પરવડે તેમ ન હતો. આથી 16 વર્ષના નિખિલને પરિવાર સમજાવતો હતો પરંતુ નિખિલ સમજતો ન હતો. પરિવારે તેમને ફોન ન લઈ દેવાની વાત કરી હતી. આ વાતને મનમાં લઈ નિખિલ શનિવારે રાત્રે પોતાની નજીક આવેલા મરઘા ફાર્મમાં ગયો હતો અને અહીં ગમછાથી તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો.પરિવારને જાણ થતાં તેમણે નિખિલને હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ નિખલને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. પોતાના દીકરાને આ રીતે ગુમાવનારા પરિવારની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે.





