Latest news : શહેરમાં અચાનક બેભાન થયા બાદ મોત થવાનો સિલસિલો યથાવત્,વધુ બેના મોત નિપજ્યા

સુરત શહેરમાં અચાનક બેભાન થયા બાદ મોત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. પુણાગામમાં ખેતી કામ કરતા યુવકનું બેભાન થયા બાદ મોત થયું હતું અને અમરોલીમાં મહિલાનું બ્લડપ્રેશર વધી ગયા બાદ બેભાન થતા મોત થયું હતું. બંને લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાની શક્યતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ પુણાગામ વિસ્તારમાં આવેલ નારાયણ નગર સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય કલ્પેશભાઈ મંગલભાઈ વસોયા ભરૂચ ખાતે ખેતી કામ કરતા હતા. તેઓને સંતાનમાં ત્રણ પુત્રી છે. ગઈકાલે બપોરે કલ્પેશભાઈ ઘરે એકાએક બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. કલ્પેશભાઈનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની શક્યતા છે. બીજા બનાવમાં અમરોલી જલારામ મંદિરની પાસે આવેલ લક્ષ્મી કોમ્પલેક્ષમાં ૩૫ વર્ષીય ગીતાબેન ગોપાલભાઈ નાવલે પરિવાર સાથે રહેતા હતા. ગઈકાલે બપોરે ગીતાબેનને બ્લડપ્રેશર વધી ગયું અને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. ગીતાબેનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની શક્યતા છે.

error: Content is protected !!