સુરત શહેરમાં વેડ રોડ ખાતે રહેતા વૃદ્ધાએ ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના વતની અને હાલ વેડ રોડ પર બહુચર નગર ખાતે આવેલા સોહમ એપાર્ટમેન્ટમાં ૬૩ વર્ષીય પુષ્પાબેન જેસિંગભાઈ વાઢેળ પુત્ર સાથે રહીને નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. પુષ્પાબેનના પતિનું અવસાન થઈ ગયું છે. પુષ્પાબેન ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા. જેની દવા પણ ચાલતી હતી. આજે સવારે પુષ્પાબેને ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને બેભાન હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. પુષ્પાબેને માનસિક બીમારીથી કંટાળી આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. આ બનાવ અંગે વધુ આગળની તપાસ ચોકબજાર પોલીસ કરી રહી છે.





