ભરૂચ SOGની ટીમને મોટી સફળતા મળી છે. જેમાં એકેડમીની આડમાં ચલાવવામાં આવતું દેશવ્યાપી બોગસ માર્કશીટ અને પ્રમાણપત્રોનો વેપાર કરતા એક ઈસમની અટકાયત કરી 45 હજારનો મુદ્દામાલ કબ્જે કરી છે. આ સાથે દિલ્હીના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં હેપ્પી કોમ્પલેક્ષમાં આવેલા રોયલ એકેડમી કોમ્પુટર ક્લાસીસની આડમાં બોગસ માર્કશીટ અને પ્રમાણપત્રો મળી રહ્યા છે. જે બાતમીના આધારે ટીમ દ્વારા રેડ કરવામાં આવતા એકેડમીમાં હાજર રહેલા ઈસમનું નામ પુછવામાં આવતા તેણે પોતાનું નામ જયેશ કિશન પ્રજાપતિ રહેવાસી ગાર્ડન સિટી, કોસમડી અંકલેશ્વર હોવાનું જણાવ્યું હતું.જે બાદ પોલીસે વધુ તપાસ કરતા ઘટના સ્થળેથી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકેન્ડરી એજ્યુકેશ, મહાત્મા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ડિરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ અને ટ્રેનિંગ ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ ગાંધીનગર તથા સેકેન્ડરી સ્કૂલ એક્ઝામિશન – 2021 સર્ટિફિકેટ તથા પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અલગ અલગ કુલ 21 બોગસ માર્કશીટ અને પ્રમાણપત્રો મળી આવ્યા હતા. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી ક્લાસીસમાંથી એક કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર અને મોબાઈલ મળી કુલ 45 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેની ધરપકડ કરી છે.પોલીસે આરોપી જયેશ પ્રજાપતિની પૂછપરછ કરતા તે દિલ્હીના ઈસમ પાસેથી આ બોગસ માર્કશીટ અને પ્રમાણપત્રો બનાવડાવતો હતો, અને એક માર્કશીટના તે 7500 ચૂકવતો અને અને અહીં તે એક માર્કશીટ વિદ્યાર્થીઓને 15000માં વેચાણ કરી સમગ્ર કૌભાંડ આચરતો હતો. જેથી પોલીસે દિલ્હીના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ SOG પોલીસે દેશવ્યાપી બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપી પાડી ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી, અને દિલ્હીના ઈસમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.છેલ્લા સમયથી બોગસ માર્કશીટ બનાવવાનું કૌભાંડ ચાલતું હતું? અત્યાર સુધીમાં કેટલી બનાવી છે? ક્યાં ક્યાં તેનું વેચાણ કરાયું છે? તેમજ આ બોગસ માર્કશીટ પર લોકો સરકારી કે ખાનગી જગ્યાએ નોકરી મેળવી રહ્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ભરૂચ SOGની ટીમ દ્વારા ગત રોજ બોગસ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હેપ્પી કોમ્પ્લેક્ષ ખાતે રોયલ એકેડમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસમાં એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન ક્લાસિસમાંથી દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ મળી આવી હતી. આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લા પોલીસ વડા વધુમાં જણાવ્યું હતું કે, એસઓજીની ટીમને ક્લાસીસમાંથી 21 ડુપ્લિકેટ માર્કશીટ મળી આવી હતી. આ રેડ દરમિયાન પોલીસ દ્વારા કોમ્પ્યુટર અને પ્રિન્ટર પણ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો અનુસાર જયેશ ડુપ્લિકેટ માર્કશીટ બનાવવા માટે વિદ્યાર્થી પાસેથી 15000થી 50000 રૂપિયા સુધીની રકમ લેતો હતો.





