મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં કમળાના કેસોએ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો કર્યો છે. બાલાસિનોર નગરમાં અચાનક થયેલા વધારાને કારણે સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. બાલાસિનોર નગરમાં કમળાના કુલ 126 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે, જેના કારણે રોગચાળાની સ્થિતિ ઊભી થવાનો ભય ફેલાયો છે. કેસોની આ બમ્પર સંખ્યાએ સમગ્ર આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. આખરે શા માટે કમળાના કેસમાં આટલો વધારો થયો તે મામટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
તાત્કાલિક પગલાં રૂપે જિલ્લાનું આરોગ્ય તંત્ર સક્રિય થઈ ગયું છે. બાલાસિનોર અને પડોશના વીરપુર તાલુકાના આરોગ્ય વિભાગના સમગ્ર સ્ટાફ દ્વારા સર્વેલન્સ અને સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે આરોગ્ય વિભાગ સતત કાર્યરત રહેતું હોય છે. આ સર્વે દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની ઓળખ કરવી, દર્દીઓને સારવાર પૂરી પાડવી અને રોગના ફેલાવાને નિયંત્રિત લાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા કેસ મામલે સતત જાગૃતિ ફેલાય તે માટે પણ કાર્યો કરવામાં આવી રહ્યાં છે.
મળતી વિગતો પ્રમાણે રોગચાળો ફાટવા પાછળનું પ્રાથમિક કારણ નગર પાલિકાની ગટર લાઇનમાં થયેલું ગંભીર લીકેજ હોવાની આશંકા છે, જો કે, આનો ચોક્કસ કારણ કહી શકાય નહીં. નગર પાલિકાની ગટર લાઇનમાં લગભગ 25 જેટલા લીકેજ થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ લીકેજને કારણે દૂષિત પાણી સ્વચ્છ પાણીની લાઇનોમાં ભળ્યું હોઈ શકે છે. જેથી આ દૂષિત પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાયું હોઈ શકે છે. આ દૂષિત પાણી જે કમળા જેવા જળજન્ય રોગોના ફેલાવા માટેનું મુખ્ય કારણ બની શકે છે. જેથી લોકોને તકેદારી રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે.સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નગર પાલિકા દ્વારા પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગટરલાઇનના લીકેજને તાત્કાલિક રિપેર કરવા અને પાણી પુરવઠાને સુરક્ષિત કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. લોકોને પણ પાણીને ઉકાળીને અથવા ફિલ્ટર કરેલું પાણી પીવા માટે કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ અને નગર પાલિકાના સંયુક્ત પ્રયાસોથી વહેલી તકે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની આશા છે.





