21મી સદીમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે, પરંતુ મોટા ભાગના લોકોના પાસે સ્માર્ટફોન આવી ગયા છે, જેથી સોશિયલ મીડિયા પણ હાથવગુ થઈ ગયું છે, જેમાંથી ભારતીય સેનાના જવાનો પણ બાકાત નથી. સેનાના જવાનો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળે છે, પરંતુ ભારતીય સેના દ્વારા સેનાના જવાનોના સોશિયલ મીડિયાના વપરાશને લઈને કડક નિયમો અમલમાં મૂક્યા છે. જેના હેઠળ પર ઇન્સ્ટાગ્રામના વપરાશ પર રોક લગાવી છે.
ભારતીય સેના સમયાંતરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગને લઈને દિશા-નિર્દેશો જાહેર કરતી રહી છે. સુરક્ષાના કારણોસર તાજેતરમાં એક નવા દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. નવા આદેશ અનુસાર, સેનાના જવાનો અને અધિકારીઓ હવેથી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી શકશે નહીં. તેઓ કોઈ પોસ્ટને લાઇક કરી શકશે નહી તથા કમેન્ટ પર કરી શકશે નહીં.હવેથી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ અન્ય લોકોની પોસ્ટ જોવા માટે અને દેશ વિરોધી ગતિવિધિઓ પર દેખરેખ રાખવાના હેતુથી કરી શકશે. આ આદેશ તમામ વિભાગોને લાગુ પડશે. નવા નિયમ મુજબ, સૈનિકોને જો સોશિયલ મીડિયા પર કોઈ ખોટી, ગેરમાર્ગે દોરનારી અને શંકાસ્પદ પોસ્ટ દેખાય તો તેઓ પોતાના ઉપરી અધિકારીને જાણકારી આપી શકશે.
સૈનિકોના સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, “‘રિએક્ટ’ કરવું અને ‘રિસ્પોન્સ’ આપવો એ બંને જુદી જુદી વસ્તુઓ છે. ‘રિએક્ટ’ કરવું એટલે કે તરત જવાબ આપવો, જ્યારે ‘રિસ્પોન્સ’ આપવો એટલે કે સમજીવિચારીને જવાબ આપવો. અમે નથી ઇચ્છતા કે, અમારા સૈનિકો ઉતાવળમાં કોઈ ચર્ચામાં અટવાઈ જાય. તેથી તેઓનો એક્સ જેવા પ્લેટફોર્મને માત્ર જોવાની મંજૂરી આપવામાં આવી છે, જવાબ આપવાની નહી.”ઉલ્લેખનીય છે કે, 2019 સુધી સૈનિકો કોઈપણ સોશિયલ મીડિયા ગૃપના સભ્ય બની શકતા ન હતા. 2020માં સૈનિકોના મોબાઈલમાંથી ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ સહિતની 89 એપ્સ અનઇન્ટોલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.ભૂતકાળમાં વિદેશી એજન્સીઓ દ્વારા ગોઠવેલા ‘હની ટ્રેપ’ના છટકામાં ફસાઈને કેટલાક સૈનિકોએ અજાણતાથી સંવેદનશીલ માહિતી લીક કરી દીધી હતી. જેથી સોશિયલ મીડિયા પર નિયંત્રણ જરૂરી બની ગયું હતું.





