Latest News Gujarat: પતંગ ખરીદવા નીકળેલા બે ભાઈઓને એક ખાનગી બસે અડફેટે લેતા બંનેના કરુણ મોત નીપજ્યા

દાહોદ જિલ્લાના લીમડી વિસ્તારમાં આવેલા કાળીમહુડી ગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ઉત્તરાયણના તહેવારની ખુશીમાં પતંગ ખરીદવા નીકળેલા બે ભાઈઓને એક ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સની બસે અડફેટે લેતા બંનેના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, કાળીમહુડી ગામના બે સગા ભાઈઓ પોતાના બાઈક પર પતંગ અને ઉત્તરાયણની અન્ય સામગ્રી લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર યુવક અને તેની સાથે બેઠેલા બાળક (ભાઈ) બંનેનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું.

ઉત્તરાયણનો તહેવાર હોવાથી ઘરમાં ખુશીનો માહોલ હતો, જે પળવારમાં માતમને ફેરવાઈ ગયો છે. બે દીકરાઓના એકસાથે મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતા જ લીમડી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા ખાનગી ટ્રાવેલ્સના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

error: Content is protected !!