અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની વ્યસ્ત ગણાતી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ધમકી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મારફતે આપવામાં આવી હતી, જેને પગલે કોર્ટની કાર્યવાહીમાં પણ વિક્ષેપ પડ્યો હતો.
ઈમેલ મળતાની સાથે જ કોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ૩ ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમ પણ કોર્ટ પરિસરમાં ઉતારી દેવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી કોઈ જાનહાનિ ન થાય.નોંધનીય છે કે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ધમકી મળવાની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ અનેકવાર ઈમેલ કે ફોન દ્વારા આ જ પ્રકારે ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વારંવાર મળતી આ ધમકીઓને કારણે વકીલો, અસીલો અને કોર્ટ સ્ટાફમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ અત્યારે આ ઈમેલના આઈપી એડ્રેસ અને મોકલનારના મૂળ સુધી પહોંચવા માટે સાયબર ક્રાઈમની મદદ લઈ રહી છે.હાલમાં કોર્ટના દરેક ખૂણે-ખૂણે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આ એક હોક્સ કોલ અથવા કોઈની મજાક હોઈ શકે છે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી, પરંતુ તંત્ર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. આવી ઘટનાઓ ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે.





