Local News: ઉમરગામમાં પૂરપાટ ઝડપે આવતી મોપેડે બીજી મોપેડને ટક્કર મારતા યુવકનું મોત

ઉમરગામ ટાઉન વિસ્તારમાં રોયલ લેક સીટી સામે ગત સોમવારે રાત્રે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા એક હોન્ડા મોપેડના ચાલકે અન્ય મોપેડને જોરદાર ટક્કર મારતા ૩૦ વર્ષીય યુવકનું ગંભીર ઈજાઓ થવાથી કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને આરોપી ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

મળતી માહિતી મુજબ, ઉમરગામ ટાઉનમાં ડમરુવાડી પાસે પુષ્પક એપાર્ટમેન્ટમાં રહેતો શુભમ પ્રમોદ તિવારી (ઉં.વ.૩૦) ગત તા. ૦૯/૦૩/૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૭:૩૦ વાગ્યે પોતાની બ્લુ કલરની હોન્ડા મોપેડ નંબર જીજે/૧૫/ડીઆર/૨૮૫૧ લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન રોયલ લેક સીટી સામેના રોડ પર સામેથી આવતી અન્ય એક બ્લુ કલરની હોન્ડા મોપેડ નંબર એમએચ/૨૯/બીએન/૬૨૯૬ ના ચાલકે પોતાની ગાડી બેદરકારીપૂર્વક હંકારી લાવી શુભમની મોપેડને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં શુભમ રોડ પર પટકાતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે બેભાન થઈ ગયો હતો. સ્થાનિકો દ્વારા તેને તાત્કાલિક મમતા હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ (CHC) ગાંધીવાડી ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.આ ઘટના અંગે મૃતકના કાકા મનિષ શ્રીક્રિષ્ના શુક્લા (રહે.વાપી) એ ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!