Local News: પારડીમાં ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપાઈ,ટાયર ફાટતા કાર ડિવાઈડર સાથે અથડાઈ

મંગળવાર પારડી પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી દમણથી વલસાડ તરફ જઈ રહેલી એક આઈ-૨૦ કારને ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી છે. પોલીસને જોઈ ભાગવા જતાં કારનું ટાયર ફાટી જતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. પોલીસે કારમાંથી કુલ રૂ. ૫૩,૦૪૦/- ની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરી કુલ રૂ.૩,૫૪,૦૪૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે પારડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મનેષભાઈ રમણભાઈ વસાવા અને એ.એસ.આઈ. ચંદુભાઈ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે દમણથી એક સફેદ રંગની હુન્ડાઈ આઈ-૨૦ કાર નંબર ડીડી/૦૩/એફ/૧૮૯૮માં દારૂનો જથ્થો ભરીને વલસાડ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે વલ્લભ આશ્રમ સ્કૂલ પાસે નાકાબંધી કરી હતી.

બાતમી વાળી કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક સુરેશભાઈ ડાહ્યાભાઈ પટેલે પોલીસને જોઈ કાર ઉભી રાખવાને બદલે સર્વિસ રોડ તરફ હંકારી મૂકી હતી. પોલીસે ખાનગી વાહનમાં તેનો પીછો શરૂ કર્યો હતો. આ દરમિયાન ચંદ્રપુર આઈ.ટી.આઈ. પાસે કારનું પાછળનું ટાયર અચાનક ફાટી જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈને થોભી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી કાર ચાલક સુરેશભાઈ ડાહ્યાભાઈ કોળી પટેલ (રહે. મોટી વાંકડ, દમણ) ને ઝડપી પાડ્યો હતો. કારની તલાશી લેતા તેમાંથી કિંગ ફિશર બીયરના ૭૨ ટીન,લોર્ડ જોન વ્હીસ્કીની ૧૯૨ બોટલ અને ઈમ્પિરિયલ બ્લ્યુ વ્હીસ્કીની ૪૮ બોટલ મળી કુલ ૩૧૨ નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો ગુંદલાવની ભારતી ઉર્ફે મુન્ની મુકેશભાઈ પટેલ એ મંગાવ્યો હતો. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ. ૩,૫૪,૦૪૦/-નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!