વલસાડ સીટી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર ફિલ્મી ઢબે વોચ ગોઠવી એક લક્ઝરી કારમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે રાજકોટના બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળી કુલ રૂ.૪,૦૦,૮૨૫/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે વાપી તરફથી એક સિલ્વર કલરની વોક્સવેગન વેન્ટો કાર નંબર જીજે/૦૧/કેજી/૪૦૨૪ માં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે ધરમપુર ચોકડી ઓવરબ્રીજના છેડે સ્વાદ હોટલ સામે ખાનગી વાહન આડું મૂકી કૃત્રિમ ટ્રાફિક જામ સર્જ્યો હતો. ટ્રાફિકમાં ફસાયેલી શંકાસ્પદ કારને પોલીસે ચારેય બાજુથી ઘેરી લીધી હતી. પોલીસે કારની તપાસ કરતા ડેકીના ભાગે રાખેલા થેલાઓમાંથી વિદેશી દારૂની કુલ ૨૨૬ બોટલો મળી આવી હતી. જેમાં એન્ટી ક્યુટી વ્હીસ્કી, મેજીક મુવમેન્ટ વોડકા અને રોયલ ચેલેન્જર જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. પકડાયેલા દારૂની કિંમત રૂ.૯૦,૮૨૫/- અંકાયી છે. પોલીસે આ મામલે કાર ચાલક ઇમરાન ઇકબાલભાઇ બેલીમ અને તેની બાજુમાં બેસેલા દિપકભાઇ મુકેશભાઇ નિમાવત (બંને રહે.રાજકોટ) ને ઝડપી પાડ્યા છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ દમણના વિવિધ વાઈન શોપ પરથી આ દારૂ ખરીદીને રાજકોટમાં છૂટક વેચાણ માટે લઈ જઈ રહ્યા હતા.





