Local News : વાપીમાં ઉછીના આપેલા ૪૦ હજાર પરત માંગતા યુવક પર લોખંડના સળીયાથી જીવલેણ હુમલો

વાપીના ગીતાનગર વિસ્તારમાં રહેતા એક સિક્યુરિટી ગાર્ડ પર જૂની ઉઘરાણી મામલે લોખંડના સળીયા વડે જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. મિત્રતામાં આપેલા રૂ. ૪૦,૦૦૦ પરત માંગવા જતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ યુવકના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો, જેમાં યુવકને જમણા પગે ફ્રેક્ચર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વાપીના ગીતાનગર સ્થિત નિર્મલાબેનની ચાલીમાં રહેતા ૨૪ વર્ષીય આકાશ મારકંડે સિંગે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આકાશ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આશરે છ મહિના અગાઉ તેણે તેના પરિચિત શૈલેષ શશીકાંત મહેતા (રહે.માહ્યાવંશી ફળીયા, વાપી) ને રૂ.૪૦,૦૦૦ હાથ ઉછીના આપ્યા હતા.તા.૧૦મી માર્ચની સાંજે સવા ચાર વાગ્યાની આસપાસ જ્યારે આકાશ પોતાની નોકરી પૂરી કરી ઘરે પરત ફર્યો ત્યારે તેને ચાલી પાસે શૈલેષ મળી ગયો હતો. આકાશે પોતાના બાકી પૈસા પરત માંગતા શૈલેષે ઉદ્ધત વર્તન કરી પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આકાશે પોલીસ કેસ કરવાની વાત કરતા શૈલેષે તેને જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી.

આ વિવાદ બાદ આકાશ પોતાના રૂમમાં જઈ જમવા બેઠો હતો, ત્યારે શૈલેષ લોખંડનો સળીયો લઈને તેના રૂમ પર પહોંચ્યો હતો. દરવાજો ખોલતા જ શૈલેષે ગાળાગાળી કરી હુમલો કરી દીધો હતો. આરોપીએ લોખંડના સળીયા વડે આકાશના જમણા પગના નળાના ભાગે જોરથી ફટકો મારતા તેને ફ્રેક્ચર થઈ ગયું હતું. આટલેથી ન અટકતા, આરોપીએ આકાશના કપાળ અને હાથ-પગ પર સળીયાના આડેધડ ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ “જો બીજી વાર પૈસા માંગીશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી આરોપી ફરાર થઈ ગયો હતો.ઈજાગ્રસ્ત યુવકે ૧૧૨ અને ૧૦૮ પર ફોન કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ આકાશ વાપીની હરિયા હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર હેઠળ છે, જ્યાં તેના માથા અને હાથના ભાગે ટાંકા આવ્યા છે. વાપી ટાઉન પોલીસે આરોપી શૈલેષ મહેતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!