ઓલપાડ: ઓલપાડ તાલુકાના સાયણ ગામની સીમમાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. સાયણ સુગર રોડ પર આવેલી શામજીકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ખાતાના ધાબા પર ખુલ્લામાં જુગાર રમતા ૬ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
વિગતો અનુસાર ઓલપાડ પોલીસ મથકના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સાયણ ગામની સીમમાં રાધે ક્રિએશન નામના ખાતાના ધાબા પર કેટલાક ઇસમો લાઇટના અજવાળે ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે રાત્રિના આશરે ૦૧:૩૦ વાગ્યે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી (૧) કુલદિપ રામપ્રતાપ નિશાદ (ઉં.વ. ૨૨, રહે. સચીન) (૨) ગોવિંદ પ્રમોદ નિશાદ (ઉં.વ. ૨૦, રહે. સાયણ) (૩) ધરમવીર રામખેલાવન નિશાદ (ઉં.વ. ૨૩, રહે. કારેલી) (૪) કમલુ સમજાવન નિશાદ (ઉં.વ. ૨૮, રહે. દેલાડ) (૫) સંજયકુમાર સભાજીત નિશાદ (ઉં.વ. ૨૩, રહે. સાયણ) (૬) અંકીતકુમાર મનકુલ નિશાદ (ઉં.વ. ૧૯, રહે. સાયણ) કુલ ૬ વ્યક્તિઓની અટકાયત કરી છે.દરોડા દરમિયાન પોલીસને જુગારના દાવ પરથી રોકડા તેમજ આરોપીઓની અંગઝડતીમાંથી રૂ. ૮,૫૪૦ મળી આવ્યા હતા. આમ, કુલ રૂ. ૧૨,૧૦૦ નો રોકડ મુદ્દામાલ અને ગંજીપાના કબજે કરવામાં આવ્યા છે.





