Breaking News: તાપી જિલ્લામાં ACB ની સફળ ટ્રેપ : દૂધ મંડળીના ઓડિટ રિપોર્ટ પેટે ૧૫ હજારની લાંચ લેતા ઓડિટર અને વચેટિયો ઝડપાયા

વ્યારા તાલુકામાં ACBએ સફળ ટ્રેપ ગોઠવીને સુરત મિલ્ક ઓડિટ ઓફિસના એક ઓડિટર અને તેના વતી લાંચ લેતા એક ખાનગી વ્યક્તિને ૧૫,૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઓડિટરે દૂધ મંડળીનો ક્ષતિરહિત ઓડિટ રિપોર્ટ આપવાના બદલામાં લાંચની માંગણી કરી હતી.

મળતી માહિતી મુજબ, ફરિયાદીના ગામની દૂધ મંડળીનું વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના નાણાકીય વર્ષનું ઓડિટ સુરત સ્થિત સ્પેશ્યલ ઓડિટર (મિલ્ક) કચેરીના ઓડિટર ગ્રેડ-૨ ધર્મેશકુમાર રતિલાલ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. ગત માસમાં ઓડિટ પૂર્ણ કરી ક્ષતિરહિત રિપોર્ટ તૈયાર કરી આપવાના બદલામાં ઓડિટર ધર્મેશકુમારે ફરિયાદી પાસે ૧૫,૦૦૦ રૂપિયાના ‘અવેજ’ (લાંચ)ની માંગણી કરી હતી.

ફરિયાદી જાગૃત નાગરિક હોવાથી તેમણે આ રકમ આપવાને બદલે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એ.સી.બી.ની ટીમે આજ રોજ તા.૧૩/૦૩/૨૦૨૬ના રોજ વ્યારાના ઉંચામાળ ગામે આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે, જાહેર રોડ પર છટકું ગોઠવ્યું હતું.

લાંચના છટકા દરમિયાન મુખ્ય આરોપી ઓડિટર ધર્મેશકુમાર વસાવાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચની રકમ ત્યાં હાજર ખાનગી વ્યક્તિ જેતલકુમાર સુજીતભાઇ ગામીતને આપવા જણાવ્યું હતું. જેતલકુમારે ઓડિટર વતી ૧૫,૦૦૦ રૂપિયા સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે ત્રાટકીને બંનેને સ્થળ પર જ દબોચી લીધા હતા.

error: Content is protected !!