સોનગઢ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સુરત-ધુલિયા નેશનલ હાઈવે પર બાતમીના આધારે વોચ ગોઠવી ગેરકાયદે પશુઓની હેરાફેરી કરતા એક આઇસર ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે 8 ભેંસોને ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં શોધી કાઢી હતી અને અંદાજે 9.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, તા.13 માર્ચના રોજ રાત્રિના સમયે સોનગઢ પોલીસને બાતમી મળી હતી કે એક આઇસર ટ્રક પશુઓ ભરીને પસાર થઈ રહ્યો છે. જે આધારે પોલીસે નવા આર.ટી.ઓ. પાસે નાકાબંધી કરી ટ્રક નંબર GJ-23-AW-7254 ને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન ટ્રકમાંથી 8 ભેંસો મળી આવી હતી, જેમને ટૂંકા દોરડા વડે ઘાસચારા કે પાણીની સુવિધા વગર અત્યંત ક્રૂર રીતે બાંધવામાં આવી હતી.પોલીસે સ્થળ પરથી સમીર શહિદ પટેલ (ડ્રાઈવર,રહે. સાંપા, કરજણ) અને સિરાઝ યાકુબ પટેલ (ક્લીનર, રહે. વલણ, કરજણ) બે શખ્સોની ધરપકડ કરી છે. આ ભેંસો ભરી આપનાર મુખ્ય સૂત્રધાર સમીર મુસાભાઈ પટેલ (રહે.સાંપા,કરજણ) ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. તપાસમાં ખુલ્યું હતું કે આ પશુઓને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે કતલના ઇરાદે લઈ જવામાં આવી રહ્યા હતા.આ મામલે પોલીસે આઇસર ટ્રક, 8 ભેંસો અને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન સહિત અંદાજે 9.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.





