વ્યારા-ઉનાઈ રોડ પર કપુરા ગામની સીમમાં રાઈસ મીલ પાસે ગત ૨ માર્ચના રોજ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ૪૩ વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, વ્યારાના ઘાટ ગામના માસ્તર ફળીયામાં રહેતા પરેશભાઈ શિવાજીભાઈ ગામીત (ઉ.વ.૪૩) ગત તારીખ ૦૨/૦૩/૨૦૨૬ ના રોજ સાંજે સાતેક વાગ્યાના સુમારે પોતાની મોટરસાયકલ નંબર GJ-26-AA-3207 લઈને ટીચકપુરા ખાતે નોકરી પર જઈ રહ્યા હતા. આ દરમિયાન કપુરા ગામની સીમમાં રાઈસ મીલ સામેથી પસાર થતા રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પરેશભાઈની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.અકસ્માતમાં પરેશભાઈને માથા તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ૬ દિવસની ટૂંકી સારવાર બાદ ગત ૦૮/૦૩/૨૦૨૬ ના રોજ સવારે ૦૮:૦૦ વાગ્યે તેમનું કરુણ મોત નીપજ્યું હતું.મૃતકના પુત્ર અર્પિતભાઈ પરેશભાઈ ગામીતે આ મામલે વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.





