Gandhinagar : પોલીસ પ્રોટેક્શનના રીન્યુઅલ માટે ૮૦ હજારની લાંચ લેતા સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોનો અધિકારી ઝડપાયો

ACBએ આજે એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના સીનીયર ઇન્ટેલીજન્સ ઓફીસરને ૮૦ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. સરગાસણ ચોકડી પાસે ફિલ્મી ઢબે કરાયેલી આ કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ કેસની વિગતો મુજબ, ફરિયાદીને અગાઉ પોલીસ પ્રોટેક્શન મળેલું હતું. આ પ્રોટેક્શનની મુદત પૂરી થતા તેને રીન્યુ કરાવવા માટે ફરિયાદીએ અરજી કરી હતી. આ અરજી બાબતે પોઝીટીવ અભિપ્રાય (રિપોર્ટ) મોકલવા માટે સાણંદ સેન્ટર ખાતે ફરજ બજાવતા સીનીયર ઇન્ટેલીજન્સ ઓફીસર કેતનભાઇ ગીરીશભાઇ દવેએ ફરિયાદી પાસે રૂપિયા ૮૦ હજારની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર ACB એકમનો સંપર્ક કર્યો હતો. જે આધારે આજે તા.૧૫/૦૩/૨૦૨૬ ના રોજ ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે આવેલા ‘સૌરાષ્ટ્ર ગાંઠીયા રથ’ ની સામે રોડ ઉપર ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપી કેતનભાઇ દવે ફરિયાદીની ગાડીમાં બેસીને લાંચની રકમ સ્વીકારતા હતા, તે જ સમયે ACB ની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

error: Content is protected !!