સાવધાન! SBI રિવોર્ડ પોઈન્ટ્સના નામે ખાતું ખાલી થઈ શકે છે: PIB એ જાહેર કરી ચેતવણી

અમદાવાદ: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહકોને નિશાન બનાવીને સાયબર ગુનેગારોએ છેતરપિંડીની નવી રીત અપનાવી છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ગ્રાહકોને ‘રિવોર્ડ પોઈન્ટ્સ’ રિડીમ કરવાના બહાને નકલી APK ફાઈલ મોકલવામાં આવી રહી છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ અંગે ફેક્ટ ચેક કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

વાયરલ થઈ રહેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવે છે કે, “ગ્રાહકના રૂ.9,980 ના રિવોર્ડ પોઈન્ટ્સ આજે જ એક્સપાયર થઈ રહ્યા છે. આ રકમ સીધી ખાતામાં મેળવવા માટે ‘SBI REWARD’ નામની એપ ઇન્સ્ટોલ કરો.” મેસેજની સાથે એક APK ફાઈલ પણ મોકલવામાં આવે છે. PIB એ આ મેસેજને સંપૂર્ણપણે નકલી (Fake) ગણાવ્યો છે. બેંકિંગ નિયમો અનુસાર SBI ક્યારેય વોટ્સએપ કે SMS દ્વારા કોઈ એપ ડાઉનલોડ કરવા માટે લિંક કે APK ફાઈલ મોકલતી નથી.આવી અજાણી ફાઈલ ડાઉનલોડ કરવાથી તમારા ફોનનો કંટ્રોલ હેકર્સ પાસે જઈ શકે છે અને પળવારમાં તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે.

બચવા માટે શું કરવું? (1) SMS કે વોટ્સએપ પર આવેલી કોઈ પણ શંકાસ્પદ લિંક ખોલશો નહીં. (2) માત્ર અધિકૃત પ્લે સ્ટોર (Google Play Store અથવા Apple App Store) પરથી જ બેંકિંગ એપ ડાઉનલોડ કરો. (3) ક્યારેય કોઈની પણ સાથે OTP, પિન કે પાસવર્ડ શેર ન કરો.

જો તમારી સાથે આવી કોઈ છેતરપિંડી થાય, તો તરત જ 1930 નંબર પર કૉલ કરીને અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.

error: Content is protected !!