નવી દિલ્હી/અમદાવાદ: સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના નામે એક ભ્રામક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ગ્રાહકો તેમનું આધાર કાર્ડ અપડેટ નહીં કરે, તો તેમની SBI YONO એપ આજ રાતથી બ્લોક કરી દેવામાં આવશે. જોકે, ભારત સરકારની સંસ્થા PIB Fact Check એ આ મેસેજને સંપૂર્ણપણે નકલી (Fake) ગણાવ્યો છે.
વાયરલ થઈ રહેલા મેસેજમાં લખ્યું છે કે, “પ્રિય ગ્રાહક, તમારું SBI YONO એકાઉન્ટ આજે રાત્રે બ્લોક થઈ જશે કારણ કે તમારો આધાર નંબર અપડેટ થયેલ નથી. મહેરબાની કરીને નીચે આપેલી લિંક પરથી APK ફાઈલ ડાઉનલોડ કરો અને તમારું KYC પૂર્ણ કરો.” આ સાથે એક શંકાસ્પદ લિંક અથવા APK ફાઈલ પણ મોકલવામાં આવે છે.
PIB દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું છે કે આ મેસેજ છેતરપિંડી કરવાના ઈરાદે મોકલવામાં આવી રહ્યો છે. SBI ક્યારેય પણ ગ્રાહકોને વોટ્સએપ કે SMS દ્વારા APK ફાઈલ ડાઉનલોડ કરવાનું કહેતી નથી.આવી ફાઈલો ડાઉનલોડ કરવાથી તમારા ફોનનો ડેટા ચોરી થઈ શકે છે અને બેંક ખાતામાંથી નાણાં ઉપડી શકે છે.
અજાણ્યા નંબર પરથી આવતા મેસેજમાં આપેલી કોઈ પણ લિંક કે APK ફાઈલ ડાઉનલોડ કરશો નહીં.તમારો OTP, પિન કે અન્ય બેંકિંગ વિગતો કોઈને આપશો નહીં. જો તમને આવો કોઈ શંકાસ્પદ મેસેજ મળે, તો તમે તેને report.phishing@sbi.co.in પર ઈમેઈલ કરી શકો છો અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરી શકો છો. બેંક અધિકારીઓએ જણાવ્યું છે કે ગ્રાહકોએ હંમેશા અધિકૃત ‘પ્લે સ્ટોર’ કે ‘એપ સ્ટોર’ પરથી જ બેંકિંગ એપ ડાઉનલોડ કરવી જોઈએ.





