અમદાવાદ: સરકારની લોકપ્રિય ‘પ્રધાનમંત્રી મુદ્રા યોજના’ (PMMY) ના નામે નિર્દોષ લોકોને છેતરવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક નકલી લોન અપ્રુવલ લેટર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રૂ.3,00,000 ની લોન મંજૂર કરવાના બદલામાં ‘ઈન્સ્યોરન્સ ચાર્જ’ પેટે રૂ.7,699 ભરવાની માંગ કરવામાં આવી રહી છે. PIB Fact Check દ્વારા આ પત્રને સંપૂર્ણપણે નકલી (Fake) જાહેર કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો? : વાયરલ થયેલા આ નકલી પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે અરજદારની રૂ.3 લાખની લોન 5% ના વ્યાજ દરે મંજૂર કરવામાં આવી છે. પત્રમાં સત્તાવાર દેખાતા લોગો અને વડાપ્રધાનના ફોટાનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો છે જેથી લોકો તેને સાચો માની લે. છેતરપિંડી કરનારાઓ લોનની રકમ ખાતામાં જમા કરાવતા પહેલા ‘રિફંડેબલ ઈન્સ્યોરન્સ ચાર્જ’ ના નામે નાણાં પડાવતા હોય છે.
PIB Fact Check દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે,MUDRA સીધી લોન આપતું નથી: મુદ્રા એક રિફાઇનાન્સિંગ સંસ્થા છે. તે ક્યારેય કોઈ વ્યક્તિ કે સૂક્ષ્મ ઉદ્યોગસાહસિકને સીધી લોન આપતું નથી. મુદ્રા લોન મેળવવા માટે તમારે નજીકની બેંક શાખા, RBI રજિસ્ટર્ડ NBFC અથવા માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ (MFI) નો સંપર્ક કરવાનો રહે છે. કોઈ પણ સરકારી યોજનામાં લોન આપવા માટે પહેલા નાણાં કે ચાર્જ માંગવામાં આવતા નથી. મુદ્રા યોજના વિશેની સત્તાવાર માહિતી માટે www.mudra.org.in વેબસાઇટની મુલાકાત લેવી.
જો તમારી સાથે આવી કોઈ છેતરપિંડીનો પ્રયાસ થાય, તો તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.





