આહવાના ધુડા ગામે સામાન્ય વાતચીતમાં થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સામાન્ય ઝઘડાની અદાવત રાખી ચાર શખ્સોએ એક યુવક પર હુમલો કરી, માથાના ભાગે કડા વડે ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધાઈ છે.મળતી માહિતી પ્રમાણે ફરિયાદી કલ્પેશભાઈ સુખાભાઈ પવાર (ઉ.વ.24, રહે.ધુડા) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તારીખ 28મી માર્ચ ના રોજ સાંજે તેઓ ગામના રૂમસીંહભાઈ પવારના ઘર પાસે આવેલા આમલીના ઝાડ નીચે અન્ય મિત્રો સાથે બેઠા હતા. તે સમયે ગામના જ સનતભાઈ જાનુભાઈ પવાર સાથે તેઓને કોઈ કારણસર સામાન્ય બોલાચાલી થઈ હતી.
આ બોલાચાલીની જાણ થતા સનતભાઈના પુત્રો અને અન્ય એક મિત્ર ઉશ્કેરાઈને સ્થળ પર દોડી આવ્યા હતા. આરોપીઓએ “મારા પિતા સાથે કેમ બોલાચાલી કરે છે?” તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી અને ત્યારબાદ કલ્પેશભાઈ પર તૂટી પડ્યા હતા. હુમલા દરમિયાન આરોપી અશ્વિનભાઈ પવારે તેના હાથમાં પહેરેલા કડા વડે કલ્પેશભાઈના માથાના ભાગે જોરદાર પ્રહાર કર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. અન્ય આરોપીઓએ પણ ગડદાપાટુનો માર માર્યો હતો.
આસપાસના લોકોએ વચ્ચે પડી ફરિયાદીને વધુ માર ખાતા બચાવ્યો હતો. જતી વખતે આરોપીઓએ ધમકી આપી હતી કે, “આજે તો તું બચી ગયો છે, બીજી વાર ઝઘડો કરીશ તો જાનથી મારી નાખીશું”. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમને માથાના ભાગે છ ટાંકા આવ્યા છે. પોલીસે આ મામલે ચાર આરોપીઓ સનતભાઈ જાનુભાઈ પવાર,અશ્વીનભાઈ સનતભાઈ પવાર,અજીતભાઈ સનતભાઈ પવાર,વિશાલભાઈ સુબનભાઈ ભોયે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.





