માંડવી તાલુકાના તડકેશ્વરમાં રવિવારે સાંજે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, વાહનો અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧,૯૩,૬૩૦/-નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, તડકેશ્વર ગામની સીમમાં આવેલ નિપુણ ટેક્નોવીવ્સ પ્રા.લી. કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપાના વડે હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસે સ્થળ પરથી (૧) બિપીનભાઈ ભગુભાઈ પટેલ રહે. રોડ ફળિયું, તડકેશ્વર (૨) મણીલાલ નારણભાઇ પટેલ રહે. કુંભાર ફળિયું, તડકેશ્વર (૩) હાસીમ ઉંમર મંસુર રહે.મંન્સુર ફળિયું, તડકેશ્વર (૪) અહમદ હનિફ મંસુર રહે. મંન્સુર ફળિયું, તડકેશ્વર (૫) મોહમદ હનિફ સન્સુદ્દીન સવૈદ રહે. સુથાર ફળિયું, તડકેશ્વરના વ્યક્તિઓની ધરપકડ કરી છે.પોલીસ દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી અને અંગઝડતીમાં રોકડ રકમ અને દાવ પરના મળી રૂપિયા કુલ રૂ.૧૩,૬૩૦/- તેમજ મોબાઈલ, ૪ મોટરસાયકલ મળી કુલ રૂપિયા રૂ.૧,૯૩,૬૩૦/-નો મુદ્દામાલ જપ્ત જપ્ત કર્યો છે. તડકેશ્વર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





