સુરત શહેરના ઉમરા વિસ્તારમાં માનસિક અસ્વસ્થતાને કારણે ઘરેથી નીકળી ગયેલી ૩૫ વર્ષીય મહિલા માટે ‘૧૮૧ અભયમ’ મહિલા હેલ્પલાઇન દેવદૂત સાબિત થઈ છે. એક જાગૃત નાગરિકની સતર્કતા અને અભયમ ટીમની ત્વરિત કામગીરીને પગલે પાંચ સંતાનોની માતાનું તેના પરિવાર સાથે સુખદ પુનઃમિલન થયું હતું.
‘૧૮૧ અભયમ’ ટીમ પાસેથી મળતી માહિતી પ્રમાણે અલથાણ વિસ્તારમાં એક ૩૫ વર્ષીય મહિલા અસહાય અને ભટકતી હાલતમાં હોવાની જાણ એક જાગૃત નાગરિકે ૧૮૧ હેલ્પલાઇન પર કરી હતી. મહિલા કોઈની પણ સાથે વાતચીત કરવાની સ્થિતિમાં ન હોવાથી તાત્કાલિક મદદની જરૂર હતી. સંદેશ મળતા જ અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહિલાને આશ્વાસન આપી પૂછપરછ શરૂ કરી હતી.પ્રાથમિક પૂછપરછમાં મહિલા પોતાનું સરનામું જણાવી શકતી નહોતી, પરંતુ ટીમે હિંમત હાર્યા વગર આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી જાણવા મળ્યું કે મહિલા નજીકના જ વિસ્તારની રહેવાસી છે. ટીમે વધુ તપાસ કરી મહિલાના પતિ અને ત્યારબાદ તેની માતાનો સંપર્ક સાધ્યો હતો.
મહિલાની માતાએ જણાવ્યું હતું કે, તેની પુત્રીની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તે અવારનવાર ઘરેથી નીકળી જાય છે. મહિલાને પાંચ સંતાનો છે અને તેનો પતિ મજૂરી કામ અર્થે બહાર ગયો હતો. અભયમ ટીમે મહિલાને સુરક્ષિત રીતે તેના પિયર પહોંચાડી પરિવારને સોંપી હતી.મહિલાની માનસિક સ્થિતિ નબળી હોવાથી તેને તાત્કાલિક યોગ્ય હોસ્પિટલમાં સારવાર અપાવવા સૂચના આપી.પરિવારને મહિલા પ્રત્યે સકારાત્મક અને પ્રેમભર્યું વર્તન રાખવા સમજાવ્યું.મહિલાના પતિ અને પરિવારજનોને તેમની કાયદાકીય અને નૈતિક જવાબદારીઓ પ્રત્યે માર્ગદર્શન પૂરું પાડ્યું. અંતે, પોતાની ખોવાયેલી દીકરીને હેમખેમ પરત મેળવતા પરિવારજનોની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેમણે ૧૮૧ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.





