ચૂંટણીના માહોલ વચ્ચે તાપી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરો સામે લાલ આંખ કરવામાં આવી છે. શિસ્તના આગ્રહી ગણાતા ભાજપ પક્ષે મોટી કાર્યવાહી કરતા જિલ્લાના ત્રણ દિગ્ગજ અગ્રણીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ નિર્ણયને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
જિલ્લા સંગઠન પ્રમુખ સૂરજ વસાવા દ્વારા અર્જુન ચૌધરી, જશુ ગામીત અને શર્મિલા ગામીતને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે,અર્જુન ચૌધરી ગત ટર્મમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. અને જશુ ગામીત વ્યારા તાલુકા પંચાયતના ગત ટર્મના પૂર્વ પ્રમુખ તેમજ શર્મિલા ગામીત ગત ટર્મમાં ઊંચામાળા બેઠક પરના પૂર્વ સભ્ય છે.
પક્ષ વિરોધી પ્રવૃતિ કરી પોતાને ભાજપે મેન્ડેટ નહીં આપતા આ ત્રણેય કાર્યકર્તાઓએ આ ચૂંટણી માં અપક્ષ ઉમેદવારી કરતા ભાજપે સસ્પેન્ડ કર્યા છે. પક્ષની શિસ્ત તોડીને ચૂંટણી મેદાનમાં અપક્ષ તરીકે ઝંપલાવતા, પ્રદેશ ભાજપની સૂચના અનુસાર જિલ્લા પ્રમુખે આ કડક પગલું ભર્યું છે, સસ્પેન્ડ કરાયેલા ત્રણેય નેતાઓ પોતાના વિસ્તારમાં અને પક્ષમાં ઉચ્ચ હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે અને મોટું જનસમર્થન ધરાવે છે. હવે જ્યારે તેઓ અપક્ષ તરીકે મેદાનમાં છે, ત્યારે ભાજપની વોટબેંકમાં તેઓ કેટલું ગાબડું પાડે છે અને સત્તાધારી પક્ષને કેટલું નુકસાન પહોંચાડે છે તે જોવું રહ્યું. આંતરિક વિખવાદ અને આ બળવાખોરી આગામી પરિણામોમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.ત્યારે પક્ષમાં ઉચ્ચ હોદ્દાઓ ભોગવી ચૂકેલા આ કાર્યકર્તાઓ ભાજપને કેટલું નુકશાન પહોંચાડી શકે તે જોવું રહ્યું.





