નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અમલીકરણ માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ચીખલી અને નવસારી ટાઉન વિસ્તારમાંથી ચાર દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.મળતી વિગતો પ્રમાણે સાદકપોર ખાતે આવેલી ‘શિવ એન્ટરપ્રાઇઝ’ અને ‘એસ.આર. એન્ટરપ્રાઇઝ’ નામની સ્ક્રેપની દુકાનોના માલિકોએ ત્યાં કામ કરતા શ્રમિકોની ઓળખ અંગેની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપી ન હતી. આ રીતે શ્રમિકોનો પૂર્વ ઇતિહાસ છુપાવવા બદલ રામસિંહ રામેશ્વર પટેલ અને શુભમ હરેન્દ્રસિંહ રાજપુત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
જયારે આલીપોર ગણદેવી રોડ પર આવેલા ‘નેશનલ મોટર ગેરેજ’માં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે નવસારી ટાઉનની ‘એન.એચ. ડેટ્સ એન્ડ સ્વીટ્સ’માં કેમેરા રાખવામાં આવ્યા ન હતા. સુરક્ષાના કારણોસર ફરજિયાત સીસીટીવી રાખવાના જાહેરનામાનો ભંગ કરવા બદલ મહમદ ઇબ્રાઇમ શેખ અને શાહિદભાઈ નાંદોલીયા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે આ જાહેરનામાનો હેતુ જિલ્લામાં અસામાજિક તત્વો પર નજર રાખવાનો અને ગુનાખોરી અટકાવવાનો છે. જાહેરનામાના ભંગ બદલ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





